ગુજરાતમાં પણ ધો. 12 ની બોર્ડની પરીક્ષા રદ્દ કરાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-06-2021

કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ગુજરાતમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓને ધ્યાને રાખીને ગુજરાત બોર્ડની પરીક્ષા પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યૂ-ટર્ન સરકાર તરીકે પંકાયેલી ગુજરાત સરકારે આ કિસ્સામાં પણ પોતાની અનિર્ણાયકતા જાળવી રાખી હતી! શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું.કે ગુજરાતમાં રાજ્યના જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે, તેના માટે આ નિર્ણય લાગૂ પડશે, રિપીટર વિદ્યાર્થીઓ માટેનો નિર્ણય આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.તારીખ 7થી જે નવુ સત્ર શરૂ થાય છે, તે સત્ર ઓનલાઈન શરૂ થશે તેવી જાહેરાત કરી છે.

કેન્દ્રની મોદી સરકારે જે રીતે પરીક્ષા રદ્દ કરી છે તે જોતા ગુજરાતમાં પણ ધો.12 સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહના 6 લાખ 92 હજાર વિદ્યાર્થીની પરીક્ષા રદ્દ થઇ છે. ધો.12 સાયન્સના 1 લાખ 40 હજાર અને સામાન્ય પ્રવાહના 5 લાખ 52 હજાર મળીને 6 લાખ 92 હજાર વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે.

ગઇકાલે ટાઈમટેબલ જાહેર કર્યું હતું: અગાઉ આ વિદ્યાર્થીઓની તા.1 જુનથી પરીક્ષા લેવાનો નિર્ણય કરી પરીક્ષા કાર્યક્રમ પણ મંગળવારે જાહેર કર્યો હતો. રાજ્યના દરેક જિલ્લામાં અને પરીક્ષા કેન્દ્રો છે તેવી સ્કૂલોમાં પરીક્ષાની તૈયારી હાથ ધરાઇ હતી, પરીક્ષા કેન્દ્રો પણ નક્કી કરવાનું ચાલુ કરાયું હતું. આવા સંજોગોમાં જ કેન્દ્ર સરકારે સીબીએસઇના ધો.12ની પરીક્ષા નહીં લેવાનો નિર્ણય કર્યો છે.

તાજેતરમાં શિક્ષણ બોર્ડે ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની લેખિત

પરીક્ષા આગામી તા.1 જુલાઇથી કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે લેવાનો નિર્ણય લીધો હતો, ગઈકાલે પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તમામ પરીક્ષા બે ભાગમાં લેવામાં આવનાર હતી. ગુજરાતના વાલી મંડળે બોર્ડ ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય આવકાર્યો છે. સાથે જ ગુજરાત સરકાર ધોરણ 12 ની પરીક્ષા રદ કરે તેવી માંગણી કરી હતી.

છાત્રોને વેક્સિન અંગે પણ કરાઇ વિચારણા: ગુજરાત સરકાર, ધોરણ-12ના બોર્ડની પરીક્ષા આપનાર 18 વર્ષથી વધુ વયના તમામ વિદ્યાર્થીઓને વેક્સીન આપવા અંગે વિચારણા કરી રહી હતી અને આ હેતુસર વેક્સીનેશન ઝૂંબેશ હાથ ધરવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી હતી. વેક્સીનેશન ઝૂંબેશ હેઠળ ધોરણ-12 અને ધોરણ-10ની પરીક્ષામાં રીપીટ થનાર 10 લાખ વિદ્યાર્થીઓ પૈકી 6 લાખ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે તેવી વાત હતી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં 18 વર્ષથી વધુ વય જુથના તમામ વિદ્યાર્થીઓનો જિલ્લાવાર ડેટાનું એનાલિસીસ કર્યું છે. વેક્સીનના ઉપલબ્ધ જથ્થાને આધારે આ વિદ્યાર્થીઓને રસી અપાશે. રાજ્ય સરકારે, આ વેક્સીનેશન ઝૂંબેશ હાથ ધરવા માટે સહાય કરવા- સમર્થન આપવા કેન્દ્ર સરકારને વિનંતી કરશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો