ગુજરાતમાં નકલી ડૉક્ટરોનો રાફડો ફાટયોઃ 2 મહિનામાં આટલા નકલી ઝોલાછાપ પકડાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.1-06-2021

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલી લહેર કરતા બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે. બીજી લહેરમાં પોઝિટિવ કેસોની સાથે-સાથે મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી મહામારીમાં પણ કેટલાક ઇસમો પૈસા કમાવવાની લાલચમાં ડૉક્ટરો બનીને લોકોના જીવને જોખમમાં મૂકતા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. અલગ-અલગ જગ્યાઓ પર નકલી ડોક્ટર લોકોની સારવાર કરતા હોવાનું પણ સામે આવ્યુ છે. ત્યારે છેલ્લા બે મહિનામાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાંથી 57 જેટલા નકલી ડૉક્ટરો પકડાયા છે.

રિપોર્ટ અનુસાર ગુજરાતમાં છેલ્લા બે મહિનાની અંદર પોલીસે અલગ-અલગ જગ્યા પર કાર્યવાહી કરીને 57 જેટલા નકલી ડોક્ટરની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે 53 જેટલા ગુનાઓ પણ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યા છે. મોટાભાગે આ બોગસ ડોક્ટરો ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની સારવાર કરીને ગામ લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે ત્યારે પોલીસે વડોદરા જિલ્લામાંથી 4 નકલી ડોક્ટર, પંચમહાલમાંથી 4 નકલી ડોક્ટર, વલસાડમાંથી 9, મોરબીમાંથી 1, રાજકોટમાંથી 1 અને વડોદરા શહેરમાંથી 1 નકલી ડોક્ટરની ધરપકડ કરી છે. આ ઉપરાંત છેલ્લા 4 દિવસમાં અલગ-અલગ જગ્યાઓ પરથી 20 જેટલા નકલી ડૉક્ટરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

રાજ્ય પોલીસ વડાના આદેશના કારણે રાજ્યની પોલીસ દ્વારા છેલ્લા બે મહિનામાં નકલી ડોક્ટરને પકડવા બાબતેની ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાંથી જ પકડાયેલા ડોક્ટરો સામે 53 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા છે. પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે નકલી ડોક્ટર બનીને લોકોની સારવાર કરતાં લોકો મોટા ભાગે અન્ય રાજ્યોના છે અને તેઓ ડિગ્રી વગર પોતાનું દવાખાનું ખોલીને વ્યક્તિઓની સારવાર કરવાના સાધનો વસાવીને ગ્રામ્ય વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે.

ગુજરાત પોલીસ દ્વારા 1 એપ્રિલથી નકલી ડૉક્ટરોને પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. 1 એપ્રિલથી 31 મે સુધીમાં પોલીસ દ્વારા 57 જેટલા બોગસ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને જેમાં સૌથી વધારે નકલી ડોક્ટરો વલસાડ જિલ્લામાંથી પકડાયા છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા થોડા દિવસો પહેલા જ રાજકોટ પોલીસ દ્વારા બે નકલી ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો