આવાસ 6 માસ બંધ રહેશે તો પરત લઈ લેવાશે ?

જામનગરમાં મેયરે આવાસ મેળવી લીધા બાદ તાળુ લટકાવી દેતાં અન્ય મનપાએ નોંધ લીધી

શહેરની 30થી વધુ આવાસ યોજનાઓમાં વર્ષોથી તાળા મારેલા અનેક કવાર્ટર્સ ધણી-ધોરી વગરના

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-05-2021

રાજકોટ શહેરમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે અનેક આવાસ યોજનાઓ અમલમાં મૂકી છે. છેલ્લા 10 વર્ષમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ હજારોની સંખ્યામાં આવાસોની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ, અનેક લોકોએ જરૂર ના હોય તો પણ આવાસો મેળવી વેચાણ કરવા માટે તાળા મારી મૂકી દીધા છે. જ્યારે ગઈકાલે જામનગરમાં મેયરના નામે ફાળવવામાં આવેલ આવાસ લાંબા સમયથી તાળુ મારેલી હાલતમાં મળી આવતાં આ બનાવની નોંધ અન્ય મહાનગરપાલિકાએ લીધી હોય તેમ રાજકોટ મનપાએ પણ છ મહિનાથી કબ્જો ન લીધો હોય તેવા કવાર્ટરો પરત લેવા માટે તૈયારી આરંભી છે.

મનપાના આવાસ યોજનાના સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળ ઉપર તૈયાર થયેલ આવાસ યોજનાઓમાં અરજદારોને હજારોની સંખ્યામાં આવાસ ફાળવવામાં આવ્યા છે. આવાસ યોજનાનો ડ્રો થાય ત્યારે નિયમ મુજબની કાર્યવાહી બાદ અરજદારોને આવાસની ચાવી સોંપવામાં આવતી હોય છે. જેમાં અનેક અરજદારોને પોતાને ડ્રોમાં લાગેલ આવાસનું તાળુ આજ સુધી ખોલ્યું નથી. બીજી તરફ ફોર્મ ભર્યા બાદ અરજદારને આવાસ ફાળવવામાં આવે છતાં આવાસ ન લેવામાં આવ્યું હોય એ પ્રકારના અનેક આવાસો ખાલી અવસ્થામાં રેઢા પડ્યા છે. વખતો વખત આ પ્રકારના આવાસનો સર્વે કરી નવા ફોર્મ ભર્યા બાદ તેનો ડ્રો કરવામાં આવતો હોય છે. આવાસ યોજના વિભાગ દ્વારા કબ્જે થયેલા આવાસોનું ચેકીંગ પણ કરવામાં આવતું હોય છ.ે ખાલી આવાસના તાળા તોડી અનેક આવારાતત્ત્વોએ આવાસમાં કબ્જો કરી લીધો હોય છે. અન્યથા અમૂક માથાભારે શખ્સો દ્વારા મનપાના ખાલી આવાસો કબ્જો કરી ભાડેથી આપી દીધાનું પણ સામે આવ્યું છે. અરજદાર પોતાને ડ્રોમાં લાગેલ આવાસ પોતાના સગા સંબંધીને આપી શકતો નથી. અથવા ભાડેથી પણ આપી શકતો નથી. જે નામથી અરજદારને આવાસ ફાળવવામાં આવ્યું હોય તે પરિવારને ફરજીયાત ઉપરોકત આવાસમાં વસવાટ કરવો પડે છે. આ પ્રકારના અનેક નિયમો અમલમાં છે. પરંતુ, છ માસ સુધી મહાનગરપાલિકાએ સોંપવામાં આવેલ આવાસનો કબ્જો અરજદાર દ્વારા ન લેવામાં આવે તો આ આવાસ પરત લઈ લેવાનો કોઈ જાતનો નિયમ નથી. છતાં જામનગરની ઘટનાના પગલે હવે આવાસ યોજના વિભાગ દ્વારા આ બાબતે પણ વિચારણા હાથ ધરવામાં આવી છે. જેના માટે નિયમ બનાવ્યા બાદ સ્ટેન્ડીંગમાં ઠરાવ રજૂ કરી અમલવારી કરવામાં આવશે.

શહેરમાં અલગ અલગ સ્થળે આવેલ આવાસ યોજનાઓમાં અરજદારે સ્વીકારેલ ન હોય તે પ્રકારના 1100થી વધુ કવાર્ટરનું ફોર્મ વિતરણ તાજેતરમાં કરવામાં આવ્યું હતું. છતાં આવાસ યોજના વિભાગના અમૂક ભ્રષ્ટ અધિકારીઓ તેમજ કર્મચારીઓની મીલીભગતના કારણે અનેક ખાલી આવાસનો કબ્જો આવારાતત્ત્વોને સોંપી દેવામાં આવ્યો છે. જેમના દ્વારા ઉઘરાવવામાં આવતા ભાડામાંથી ભાગ બટાઈ થતી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છ.ે આથી જો મહાનગરપાલિકા દ્વારા છ માસનો નિયમ અમલમાં મૂકવામાં આવે તો અનેક ખાલી કવાર્ટરોમાં થતો આવારાતત્ત્વોનો કબ્જો તેમજ ભાડે આપી દેવાની પ્રવૃત્તિ સદંતર બંધ થઈ જશે. તેમજ આવાસ યોજના વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને પણ બ્રેક લાગી જશે. આવાસ યોજના વિભાગના અમૂક અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પ્રકારનો નિયમ હોવો જ જોઈએ. જેના માટે આગામી દિવસોમાં નવા નિયમ અંગે ચર્ચા હાથ ધરી મ્યુનિ. કમિશ્નરને રજૂઆત કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો