ગુજરાતમાં પુરુષોની સરખામણીએ મહિલાઓ કોરોના રસી લેવામાં પાછળ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-05-2021

કોરોના સામેના યુદ્ધમાં રસીકરણ અમોઘ શસ્ત્ર છે. દેશના જે રાજ્યમાં સૌથી વધુ રસીકરણ કરવામાં આવ્યું હોય તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન બાદ ગુજરાત ચોથા સ્થાને છે. ગુજરાતમાં અત્યારસુધી ૧.૬૬ કરોડ વ્યક્તિ કોરોના રસીનો ઓછામાં ઓછો ૧ ડોઝ લઇ ચૂક્યા છે. જોકે, ગુજરાતમાં પુરુષો કરતાં મહિલાઓના રસીકરણનું પ્રમાણ ૧૩% ઓછું છે. અત્યારસુધી ૬૭.૫૨ લાખ પુરુષ અને ૫૮.૫૦ લાખ મહિલા દ્વારા કોરોના રસી લેવામાં આવી છે.

ગુજરાતમાં પુરુષો કરતાં મહિલાઓનું રસીકરણનું પ્રમાણ ચિંતાજનક રીતે ઓછું છે. ૨૦૦૧ની વસતી ગણતરી પ્રમાણે ગુજરાતમાં પ્રતિ ૧ હજાર પુરુષે ૯૨૦ મહિલા છે. આ પ્રમાણ ૨૦૧૧ની વસતી ગણતરીમાં વધારે ઘટયું હતું. જેમાં ૧ હજાર પુરુષે મહિલાઓનું પ્રમાણ ઘટીને ૯૧૯ થયું હતું.  આ સ્થિતિએ ગુજરાતમાં પુરુષોનું પ્રમાણ એકંદરે ૯.૧૯% ઓછું છે. જેની સામે રસી લેવામાં પુરુષો કરતાં મહિલાનું પ્રમાણ ૧૩%થી પણ વધારે ઓછું જોવા મળી રહ્યું છે. જાણકારોના મતે પુરુષો કરતાં મહિલાના ઓછા રસીકરણ માટે વિવિધ પરિબળ જવાબદાર છે. આ પૈકી મુખ્ય પરિબળ એવું પણ છે કે, રસી લીધા બાદ સામાન્ય તાવ આવશે તો ઘરનું કામ કોણ કરશે તેવી આશંકા અનેક મહિલાઓને સતાવતી હોય છે. પરંતુ આવી કોઇ આશંકા રાખ્યા વિના તમામ લોકોએ રસી લેવા માટે આગળ આવવું જોઇએ તેમ જાણકારોનું માનવું છે.

ગુજરાતમાંથી એકમાત્ર નવસારી એવો જિલ્લો છે જ્યાં પુરુષો કરતાં મહિલાઓનું રસીકરણનું પ્રમાણ વધારે છે. નવસારીમાં ૧.૩૭ લાખ પુરુષો જ્યારે ૧.૪૮ લાખ મહિલાઓ દ્વારા કોરોના રસી લેવામાં આવી છે.  હાલની સ્થિતિએ ગુજરાતમાં ૧૦ લાખની વસતીએ સરેરાશ ૨.૪૦ લાખ વ્યક્તિ કોરોના રસી લઇ ચૂકી છે. ગુજરાતમાં અત્યારસુધી સૌથી વધુ રસીકરણ કરવામાં આવ્યું હોય તેમાં અમદાવાદ શહેર મોખરે છે. અમદાવાદ શહેરમાં ૧૮.૨૨ લાખ વ્યક્તિ દ્વારા કોરોના રસી લેવામાં આવી છે. જેમાં ૭.૮૯ લાખ પુરુષ અને ૬.૨૯ લાખ મહિલાનો સમાવેશ થાય છે.આમ, અમદાવાદ શહેરમાં સરરેાશ ૧૦ લાખની વસતીએ સરેરાશ ૩.૧૦ લાખ વ્યક્તિ કોરોના રસી લઇ ચૂકી છે.  ૧૦ લાખની વસતીએ સૌથી વધુ વ્યક્તિ રસી લઇ ચૂકી હોય તેમાં પોરબંદર ૩.૯૦ લાખ સાથે મોખરે, મહીસાગર ૩.૫૦ લાખ સાથે બીજા અને વડોદરા ૩.૪૦ લાખ સાથે ત્રીજા સ્થાને છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો