બાળકને થતા MIS-C રોગે માથું ઉચક્યું, જન્મના 12 કલાકમાં જ બાળકને MIS-C થતા ICUમાં ઓક્સિજન પર રાખવામાં આવ્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-05-2021

કોરોના બાદ હવે રાજ્યમાં બ્લેક ફંગસ અને બાળકોમાં હવે MIS- C( મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લેમેટ્રી સિંડ્રોમ) નામનો પોસ્ટ કોવિડ રોગ જોવા મળી રહ્યો છે. એક લાખે એક બાળકને અને એ પણ પશ્ચિમી દેશોમાં થતો આ રોગ હવે ગુજરાતમાં પણ પ્રવેશી ગયો છે. રાજ્યમાં પ્રથમ એવો માત્ર દોઢ મહિનાના બાળકને MIS-C રોગ થતાં સારવાર માટે અમદાવાદના મેમનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.

જન્મના માત્ર 12 કલાકમાં જ બાળકને આ રોગ થયો હતો. હાલમાં બાળક ઓક્સિજન પર છે. માતાને પ્રેગ્નન્સીના દોઢ મહિના પહેલા કોરોના થયો હતો, જેના કારણે બાળકને જન્મતાની સાથે MIS-C થયો છે. બાળકોમાં આ રોગની સંખ્યામાં વધારો થતાં ડોકટરો અને બાળકોના માતા-પિતામાં ચિંતાનો વિષય હાલ બની રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજકોટમાં પણ MIS- Cના 100થી વધુ કેસ નોંધાય ચૂક્યા છે.

12 કલાકમાં જ બાળકને તાવ આવ્યો: મેમનગરની ડીવાઇન ચાઈલ્ડ હેલ્થ હોસ્પિટલના ડો. દેવાંગ સોલંકીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે MIS- C રોગએ પોસ્ટ કોવિડ રોગ છે જે નવજાત બાળકથી લઈ 15 વર્ષના બાળકમાં થતો રોગ છે. ઓટો એન્ટી બોડી રિએક્શન રોગ કહેવામાં આવે છે. માતાના પેટમાં ઉછરતા બાળકમાં પણ આ રોગ જોવા મળ્યો છે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે રહેતી મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો અને જન્મના 12 કલાકમાં જ બાળકને તાવ આવ્યો હતો. જેથી સારવાર માટે અમારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યુ હતું.

નવજાતને તુરંત જ તાવ આવતા બાળકની માતાની હિસ્ટ્રી તપાસ કરતા દોઢ મહિના પહેલા જ તેઓને કોરોના થયો હતો. બાળકને તાવ અને લક્ષણો જોવા મળતા MIS-C રોગ થયો હોવાને લઇ તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ બાળક સારવાર હેઠળ ICUમાં ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યું છે.

બાળકનું ઓક્સિજન લેવલ પણ ઓછું હતું: ડો.હાર્દિક પટેલ: જ્યારે ડોક્ટર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે અમારી પાસે આ બાળક આવ્યું ત્યારે માત્ર 12 કલાકનું જ હતું, જેમાં તેને તાવ હતો અને ઓક્સિજન લેવલ ઓછું હતું અને તેને દૂધ પીવાનું પણ બંધ કરી દીધું હતું. હાલ જ્યારે બાળક આવ્યું એના કરતા સ્થિતિ સારી છે અને ઓક્સિજન પર છે. ડોક્ટરે જણાવ્યું હતું કે આ રોગ મોટા ભાગે જે પ્રેગ્નન્ટ માતાઓ છે, જેમનો ડિલિવરીના 3 થી 4 મહિના બાકી છે અને તેમને કોરોના થયો હોય અને જે બાળક જન્મે તેમાં આ રોગ જોવા મળે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો