ધો.10-12નાં છાત્રોને પરીક્ષા પહેલાં રસી

રૂપાણી સરકારનો મૅગા પ્લાન: બોર્ડનાં 4 લાખ છાત્રને અપાશે કોરોનાની રસી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-05-2021

ધો.10-12ની બોર્ડ પરીક્ષા માર્ચમાં લેવાતી હોય છે પરંતુ કોરોનાને પગલે આ વર્ષે પ્રથમવાર બોર્ડ પરીક્ષા જુલાઈમાં લેવામા આવનાર છે.જેને લઈને 1 જુનની કટ ઓફને પગલે ધો.12ના 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ 18 વર્ષથી ઉપર જતા તેઓને રસી આપવી પડશે. ધો.10માં પણ રીપિટર અને ખાનગી વિદ્યાર્થીઓ મળીને 1.10 લાખ જેટલા વિદ્યાર્થીઓ 18 વર્ષથી ઉપરના છે. આમ આ વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા કોરોના રસી આપવાની વિચારણા સાથે તૈયારી શરૃ કરાઈ છે.

ધો.12ના વિદ્યાર્થીઓ મોટા ભાગે બોર્ડ પરીક્ષા સમયે 17થી 18 વર્ષની વચ્ચેના હોય છે. ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેઓના 18 વર્ષ ઉપર થયા હોય. પરંતુ આ વર્ષે ધો.12ની બોર્ડ પરીક્ષામાં 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ 18 વર્ષથી ઉપરના છે. ધો.1માં પ્રવેશ માટેની જે કટ ઓફ ડેટ 1લી જુન છે તે મુજબ 6 વર્ષે પહેલા ધોરણમાં પ્રવેશ મુજબ 1લી જૂન પહેલા માર્ચની બોર્ડ પરીક્ષા સમયે મોટા ભાગના વિદ્યાર્થીઓ 17 વર્ષના હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાને લીધે પ્રથમવાર બોર્ડ પરીક્ષા જુલાઈમાં યોજાઈ રહી છે. જેથી જુનની કટ ઓફ જતી રહેતા ધો.12માં 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ 18 વર્ષથી વધુ વયના થઈ જાય છે. જ્યારે ધો.10ની વાત કરીએ તો ધો.10માં રીપિટર અને એક્સટર્લની બોર્ડ પરીક્ષા લેવામા આવનાર છે અને

રીપિટરમાં અનેક વિદ્યાર્થીઓ વર્ષો જુના છે અને તેઓ 18 વર્ષથી વધુના તેમજ ખાનગી તરીકે આપતા અનેક વિદ્યાર્થીઓ 18 વર્ષથી ઉપરના છે.

જિલ્લાવાર ગોઠવાશે રસીકરણનો કાર્યક્રમ: આમ ધો.10-12ની જુલાઈમા લેવાનારી બોર્ડ પરીક્ષા પહેલા 4 લાખથી વધુ વિદ્યાર્થીઓને કોરોના રસી આપવી પડે. હાલ 18 વર્ષથી ઉપરના લોકોને રસી આપવાનુ ચાલુ છે ત્યારે સરકારે બોર્ડ પરીક્ષા પહેલા ધો.10-12ના 18 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓને રસી આપવાની વિચારણા કરી રહી છે. જેને લઈને બોર્ડ પાસે ડેટા પણ માંગવામા આવ્યા છે અને બોર્ડ દ્વારા હાલ જિલ્લાવાર આવા 18 વર્ષની ઉપરની વયના વિદ્યાર્થીઓના ડેટા તૈયાર કરવામા આવી રહ્યો છે. જે સરકારને આપ્યા બાદ સરકાર દ્વારા હેલ્થ વિભાગ સાથે મળીને જિલ્લાવાર વિદ્યાર્થીઓને રસી આપવાનું શરૃ કરાય તેવી શક્યતા છે. જો કે એક બાજુ કોરોના રસીના ડોઝની અછત છે ત્યારે આવા 4 લાખ જેટલા વિદ્યાર્થીને રસી આપી દેવાશે કે કેમ તે પણ પ્રશ્ન છે. જ્યારે વિદ્યાર્થીઓ-વાલીઓ તો રસીકરણને લઈને ચિંતામાં છે અને પરીક્ષામાં પુરતી તકેદારી પણ ઈચ્છી રહ્યા છે. 18 વર્ષથી વધુની વયના વિદ્યાર્થીઓ-યુવાનોમાં પણ રસી લેવા માટે ભાર ઉત્સાહ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો