1 જૂનથી ગેસ સિલિન્ડરથી લઈને ઈન્કમ ટેક્સ ફાઈલિંગના નિયમોમાં થશે અનેક ફેરફાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-05-2021

1 જૂનથી બેન્કિંગ, ઈન્કમટેક્સ ઈ-ફાઈલિંગથી લઈને ગેસ સિલિન્ડર સાથે જોડાયેલ અનેક નિયમોમાં ફેરફાર થઈ જશે. બેંક ઓફ બરોડા 1 જૂનથી ચેક પેમેન્ટની પદ્ધતિમાં ફેરફાર કરી રહી છે. તો સરકારી તેલ કંપનીઓ દર મહિને ગેસ સિલિન્ડરના ભાવ અપડેટ કરે છે.

PPF, NSC, KVP અને સુકન્યા સમૃદ્ધિ જેવી સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજદરમાં આગામી મહિનાથી ફેરફાર થઈ રહ્યા છે. સરકાર દ્વારા દર 3 મહિને સ્મોલ સેવિંગ્સ સ્કીમના નવા વ્યાજદર લાગુ કરવામાં આવે છે. ઘણી વાર જૂના વ્યાજદરના રિવાઈઝ કરવામાં આવે છે. ગયા વર્ષે 31 માર્ચ વર્ષ 2020-21ના અંતિમ ક્વાર્ટર પૂર્ણ થવા પર વ્યાજદર ઘટાડીને નવા વ્યાજદર જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, 24 કલાકમાં જ નવા વ્યાજદરને પરત ખેંચીને જૂના વ્યાજદર લાગુ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે 30 જૂનના રોજ નવા વ્યાજદર લાગુ કરવામાં આવશે.

બેંક ઓફ બરોડામાં પોઝિટિવ પે સિસ્ટમ લાગુ થશે: બેંક ઓફ બરોડા 1 જૂન 2021થી ચેકથી ચૂકવણી કરવાની પદ્ધિતમાં ફેરફાર કરી રહી છે. છેતરપિંડીથી બચવા માટે બેંક ઓફ બરોડામાં પોઝિટિવ પે કન્ફર્મેશન અનિવાર્ય કરવામાં આવ્યું છે. બેંક ઓફ બરોડાના કર્મચારીઓ જણાવે છે કે, ગ્રાહકો જયારે રૂ. 2 લાખથી વધુના ચેક જાહેર કરશે, ત્યારે પોઝિટિવ પે કન્ફર્મેશન સિસ્ટમ હેઠળ ચેકની માહિતીને રિકન્ફર્મ કરવાની રહેશે.

ગેસ સિલિન્ડરની કિંમત: 1 જૂનથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે. દર મહિને ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવે છે. ઘણી વાર મહિનામાં 2 વાર ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. દિલ્હીમાં 14.2 kgના સિલિન્ડરનો ભાવ રૂ. 809 છે. 14.2 kgના સિલિન્ડર સિવાય 19 kgના સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. 1 જૂનના રોજ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવે તે જરૂરી નથી, ઘણી વાર જૂનો ભાવ પણ રાખવામાં આવે છે.

30 જૂનથી બદલાઈ જશે IFSC કોડ: કેનરા બેંકની વેબસાઈટ પર આપેલ જાણકારી અનુસાર 1 જુલાઈથી બેંકનો IFSC કોડ બદલાઈ શકે છે. સિંડીકેટ બેંકના ગ્રાહકોને 30 જૂન સુધીમાં નવા IFSC કોડ અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે. નવો IFSC કોડ જાણવા માટે કેનરા બેંકની અધિકૃત વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. ઉલ્લેખનીય છે કે કેનરા બેંક અને સિંડીકેટ બેંકને મર્જ કરવામાં આવી છે.

1 જૂનથી ઈન્કમટેક્સ ઈ-ફાઈલિંગની સાઈટ બંધ રહેશે: 1 જૂનથી 6 જૂન સુધી ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું ઈ-ફાઈલિંગ પોર્ટલ કામ નહીં કરે. 7 જૂનના રોજ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ટેક્સપેયર્સ માટે ઈન્કમટેક્સ ઈ-ફાઈલિંગનું નવું પોર્ટલ લોન્ચ કરશે. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર ITR ભરવાની અધિકૃત વેબસાઈટ 7 જૂન 2021થી બદલવામાં આવશે. અત્યારે http://incometaxindiaefiling.gov.in છે, જે 7 જૂનથી http://INCOMETAX.GOV.IN થઈ જશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો