જામનગર : જી.જી.હોસ્પિટલમાં મહિલા સફાઇ કર્મીઓ વચ્ચે બઘડાટી, પથ્થરમારો-લાઠીચાર્જ, પોલીસ પર દમનનો આક્ષેપ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-05-2021

ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓની બબાલ બાદ સતત બીજા દિવસે સ્થિતિ વણસેલી જોવા મળી હતી. વાલમીકી સમાજના સફાઈ કર્મચારીઓએ બીજા દિવસથી જી.જી.હોસ્પિટલના covid વિભાગમાંથી કામગીરી બંધ કરી પોલીસ સ્ટેશન ખાતે સફાઈ કર્મચારીઓના ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાને પગલે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના પૂર્વ ચેરમેન પણ એસ.પી ઓફિસે પહોંચી આગેવાનો સાથે એસપીને મળ્યા હતા. ત્યારબાદ પણ આ મામલો ભારે ગરમાયો હતો અને પોલીસ સ્ટેશનમાં સફાઈ કર્મચારીઓના આગેવાનોએ પોલીસ સામે આક્ષેપો કરી રસ્તા ઉપર પોલીસ વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા.

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના કોવિડ બિલ્ડીંગ પરિસરમાં સફાઈ કામદાર અને સિક્યુરિટી વિભાગના જવાનો વચ્ચે ડખ્ખો થયા બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને પોલીસે દુર્ઘટના પર કાબુ મેળવ્યો હતો. ગઈકાલે બનેલા આ ઘટનાક્રમ દરમિયાન હોસ્પિટલ પરિષદમાં પથ્થરમારો પણ થયા હોવાનું પોલીસે ફરિયાદ નોંધી પાંચ જેટલા લોકો ની અટકાયત કરવામાં આવી છે.

આ બઘડાટીમાં બે મહિલા ઓ ને પણ ઈજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી અને આ દરમ્યાન સફાઈ કામદારો એવા આક્ષેપ પણ કર્યા છે કે પોલીસે લાઠીચાર્જ કરી મહિલાઓને માર માર્યો હતો, જેથી છેલ્લા બે દિવસથી આ મુદ્દે ભારે ગરમાવો જોવા મળ્યો છે. જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં બુધવારે સફાઈ કર્મચારી અને સિક્યુરિટી જવાનો વચ્ચે બબાલ થયા પછી મારામારીની ઘટના બની હતી જેમાં સુરક્ષા કર્મી ઘાયલ થયા છે, જ્યારે બે સફાઈ કામદાર મહિલાઓ પણ ઇજાગ્રસ્ત બની હતી, અને જી.જી હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. પોલીસે ઘટના સ્થળે દોડી જઇ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આ ઘટના મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને પાંચ લોકોની અટકાયત પણ કરી હતી જેને લઇને પોલીસ સ્ટેશનના દ્વારે મોડે સુધી સફાઈ કર્મચારીઓના ટોળા જોવા મળ્યા હતા. અને બીજે દિવસે પણ આ પરિસ્થિતિ યથાવત રહી હતી.

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના કોવિડ બિલ્ડીંગ પરિસરમાં બુધવારે બપોરે બે સફાઈ મહિલા કર્મચારી વચ્ચે સામાન્ય ઝઘડો ચાલી રહ્યો હતો. જે દરમિયાન સિક્યુરિટી વિભાગ ને ધ્યાનમાં આવતા તેઓએ બંને મહિલાઓને છોડાવી હતી. દરમિયાન સફાઈ કર્મચારીઓ વચ્ચે વધુ ઝઘડો થયો હતો. જેમાં સુરક્ષા જવાનો વચ્ચે પડતાં તેઓ સાથે પણ જામી પડી હતી, અને સફાઈ કર્મચારીઓનું ટોળું એકત્ર થઇ ગયું હતું. જેમાં ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. દરમિયાન એક સુરક્ષા જવાન પર હુમલો થયો હતો, અને વળતા પ્રહારમાં સુરક્ષા જવાનોએ પણ લાકડી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે અને આ હુમલામાં સવિતાબેન બિપિનભાઈ સોલંકી અને કાજલબેન સાગરભાઇ સોલંકી નામની બે મહિલાઓ ઘાયલ થઈ હતી અને તેઓને જી.જી. હોસ્પિટલ ના ટ્રોમા વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને સમગ્ર કોવિડ હોસ્પિટલ પરિસરને કોર્ડન કરી લીધો હતો. જ્યાં મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓના ટોળા ઉમટયા હતા. જે તમામને વિખુટા પાડ્યા હતા. ત્યાર પછી સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પણ મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ નું ટોળું એકત્ર થઇ ગયું હતું. પોલીસે ભારે જહેમત કરી ટોળા ને વિખેર્યું હતું.

હવે બીજા દિવસે આ સમગ્ર ઘટનાને લઇને રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ ના પૂર્વ ચેરમેન ઝાલા પણ એસપી ઓફિસ પહોંચ્યા હતા અને આ સમગ્ર મુદ્દે નિષ્પક્ષ તપાસની માગણી કરી હતી. આ દરમ્યાન અન્ય સફાઈ કર્મચારીઓ ના યુનિયનના અગ્રણીઓ પણ આવી પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશને હંગામો મચાવી તાત્કાલિક કથિત લાઠીચાર્જ કરનાર પોલીસ કર્મી સામે ગુનો નોંધવા પણ માગણી કરી છે અને જો આ અંગે કોઈ નિર્ણય નહીં લેવાય તો સફાઈ કામગીરી બંધ કરી રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો