(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-05-2021
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાએ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં વાવાઝોડાથી નુકસાનીને લઈને સહાયથી લઈને રાત્રિ કરફ્યૂમાં મુક્તિ અંગે નિર્ણયો લેવામાં આવ્યા છે. ગુજરાતના 36 શહેરોમાં રાતના 8 વાગ્યા સુધી કર્ફ્યુ હતો, તેનો સમય ઘટાડીને 9 વાગ્યાનો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 9 વાગ્યે કરફ્યૂ શરૂ થશે. રાત્રિ કર્ફ્યુમાં એક કલાકની છૂટછાટ આપવામાં આવી છે. જેનો અમલ 28 મેના રોજથી કરવામાં આવશે. જોકે, સાથે જ સરકારે કહ્યું કે, વેપારીઓને કોઈ છૂટછાટ હાલ નથી અપાઈ. તેમનો સમય રાબેતામુજબનો જ રહેશે.જો કે ટુંક સમયમાં આ ક્ષેત્રોને વધુ સમયની છુટછાટની ટૂંક સમયમાં જાહેરાત થાય તેવી શકયતા છે.
કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં આપણે ખૂબ સંઘર્ષ કર્યો છે. કોરોનોમાં પણ વ્યાપક કામગીરી કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના કેસોને નિયંત્રણ કરવામાં સરકાર સફળ રહી છે. 3000 કેસ પર પહોંચી ગયા છે. દિવસેને દિવસે કેસ ઘટી રહ્યાં છે. તેથી જ આવતીકાલથી રાત્રિ કરફ્યૂના સમયને 9 વાગ્યા સુધી કરાયો છે. હવેથી ગુજરાતના 36 શહેરોમાં રાત્રે 9 થી 6 સુધી કરફ્યૂ રહેશે. 28 મેના રોજથી નવા નિયમો અમલી બનશે. જે રીતે કેસ ઘટી રહ્યા છે તે રીતે સરકાર દ્વારા નિયંત્રણો પર પણ છૂટછાટ આપવામાં આવી રહ્યા છે.
સાથે જ મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ગુજરાતમાં વેપારીઓના સંદર્ભમાં છૂટછાટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
તેમનો બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય રહેશે. ગુજરાતમાં દુકાનો સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે.
સાથે જ તેમણે કહ્યું કે, ત્રીજી લહેરને પહોંચી વળવા માટે ગુજરાતમાં તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. આમ, ગુજરાતના નાગરિકોને રાત્રિ કરફ્યૂમાં એક કલાકની મુક્તિ મળી છે. ત્યારે સરકાર આગામી સમયમાં વધુ છૂટછાટ આપે તેવી શક્યતા નકારી શકાય નહિ.
સોમવારથી સરકારી કચેરીમાં 100% હાજરી : ગુજરાતમાં સરકારી કચેરીઓ આગામી સપ્તાહના સોમવારથી 100 ટકા કર્મચારી સાથે ફરીથી ધમધમતી થઈ જશે. રાજ્યમાં કોરોના કેસ ઘટતા જીએડીએ દોઢ મહિનાથી ચાલી આવતી 50 ટકા કર્મચારીઓની હાજરીની છુટછાટ શુક્રવાર સુધી જ લંબાવી છે. જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાણીની સહીથી 24 મેના રોજ પ્રસિદ્ધ પરિપત્રમાં 50 ટકા કર્મચારીઓની હાજરીની મુદ્દત 28મેને શુક્રવાર સુધી લંબાવવાનું જાહેર કરાયું છે. ત્યારબાદ 29 મેના રોજ શનિવારે આવશ્યક અને તાત્કાલિક સેવાઓ સિવાયની કચેરીઓ સિવાયની કચેરીઓ બંધ રહેશે. 30 મેના રોજ રવિવારની જાહેર રજા છે. આથી 31મેને સોમવારથી 50 ટકા કર્મચારીનું વર્ક ફોર્મ હોમ બંધ થશે અને સચિવાલય સહિત રાજ્યભરની સરકારી કચેરીઓ 100 ટકા કર્મચારીઓની હાજરી સાથે પૂર્વવત થઈ જશે. એપ્રિલ મહિનામાં સચિવાલય સહિત ગાંધીનગરના બોર્ડ કોર્પોરેશનમાં કોરોનાના કેસ વધતા સરકારે કચેરીઓનું સંચાલન 50 ટકા કર્મચારીઓની હાજરી સાથે કરવા તેમજ તમામ શનિવારે રજા જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો