સરકારના નવા નિયમોનુ પાલન કરવા માટે ફેસબૂક તૈયાર, આપ્યુ આવુ નિવેદન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-05-2021

સરકારે બનાવેલા નવા ડિજિટલ નિયમો લાગુ કરવાની સમયસીમા આજે પૂરી થઈ રહી છે ત્યારે હવે ફેસબૂકે આ નિયમો લાગુ કરવા માટે તૈયારી બતાવી છે.

સરકારે તો પહેલા જ ચેતવણી આપેલી છે કે, નવા નિયમો લાગુ નહીં કરનાર કંપની ભારતમાં બિઝનેસ નહીં કરી શકે ત્યારે ફેસબૂકના એક પ્રવક્તાએ કહ્યુ હતુ કે, કન્ટેન્ટને રેગ્યુલેટ કરવા માટે સરકારના નવા નિયમોનુ પાલન કરવા માટે કંપની તૈયાર છે પણ કેટલાક મુદ્દાઓ પર ચર્ચા પણ જરુરી છે. આ મુદ્દા પર સરકાર સાથે વધારે વાત કરવાની અમારી ઈચ્છા છે.આઈટીના નિયમો પ્રમાણે અમે ફેસબૂક સંચાલન માટેના નિયમો લાગુ કરવા માટે કામ કરી રહ્યા છે. ફેસબૂક પર લોકો પોતાના વિચારોને સ્વતંત્ર અને સુરક્ષિત રીતે વ્યક્ત કરી શકે તે માટે અમે કટબિધ્ધ છે.

સરકારના સૂત્રોના કહેવા પ્રમાણે નવા નિયમોનુ  ટ્વિટર, ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ દ્વારા હજી પાલન કરવામાં આવ્યુ નથી. દરમિયાન ફેસબૂકે આજે ઉપરોક્ત નિવેદન આપ્યુ છે પણ ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ દ્વારા હજી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, 25 ફેબ્રુઆરીએ સરકાર દ્વારા નવા નિયમોની જાહેરાત કરાઈ હતી. તેનુ પાલન કરવા માટે કંપનીઓને ત્રણ મહિનાનો સમય અપાયો હતો. જો કંપનીઓ નિયમોનુ પાલન નહીં કરે તો તેમને બ્લોક કરવામાં આવી શકે છે.

નવા નિયમ અનુસાર સોશિયલ મીડિયા કંપનીઓને ભારતમાં રેગ્યુલેટરી ઓફિસરની નિમણૂંક કરવાની છે તેમજ ભારતમાં પોતાનુ નામ, એ્ડ્રેસ અને સંપર્ક કેવી રીતે કરવો તેની જાણકારી આપવી પડશે. લોકોની ફરિયાદોનુ સમાધાન કરવુ પડશે તેમજ આપત્તિજનક કન્ટેન્ટ પર નજર રાખવા સિસ્ટમ ઉભી કરવી પડશે.

નવા નિયમો હેઠળ ડિફેન્સ, વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય તેમજ આઈટી મંત્રાલય, સૂચના અને પ્રસારણ મંત્રાલયના પ્રતિનિધિઓની એક સમિતિ બનાવાશે. જે સોશિયલ મીડિયા પરના કોઈ કન્ટેન્ટને બ્લોક કરવા માટે સોશિયલ મીડિયા કંપનીઓને સૂચના આપી શકશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો