ભારત બાયોટેકની કોવેક્સિન રસી લેનારા હાલ વિદેશ નહીં જઈ શકે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-05-2021

ભારત બાયોટેકની કોવેક્સિનને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ ઈમર્જન્સી યૂઝ લિસ્ટિંગમાં સ્થાન આપ્યું નથી. જેથી ભારત સરકારની ચિંતા વધી ગઈ છે. ભારત સરકાર કોવેક્સિનને ઝડપથી આ લિસ્ટમાં સ્થાન મળે તેના પ્રયાસોમાં લાગી ગઈ છે.

કોવેક્સિન ભલે કોરોના સામે વધુ પ્રભાવી હોય, પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) તરફથી ઈમર્જન્સી યૂઝ લિસ્ટિંગ (EUL)માં તેને સ્થાન ન મળવાથી ભારત સરકારની ચિંતા વધી ગઈ છે. જણાવાઈ રહ્યું છે કે, વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી મંજૂરી ન મળવાને કારણે કોવેક્સિન રસી લઈ ચૂકેલા લોકોને વિદેશ જવા માટે હજુ રાહ જોવી પડી શકે છે. એવામાં સરકાર કોવેક્સિનને WHOની ઈયુએલ લિસ્ટમાં સામેલ કરાવવાના પ્રયાસ લાગી ગઈ છે. વિશ્વ આરોગ્ય સંગઠન પાસે કોવેક્સિનની એપ્રુવલ રિક્વેસ્ટ પેન્ડિંગ પડેલી છે. સરકારી સૂત્રો મુજબ, સરકાર ભારત બાયોટેકના અધિકારીઓની સાથે મળીને આ પ્રક્રિયાને ઝડપી કરવામાં લાગી ગઈ છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, ઘણા દેશોમાં કોવેક્સિનને મંજૂરી મળી ચૂકી છે. કોવેક્સિનને એક્સપોર્ટ પણ કરવામાં આવશે, એવામાં બીજા ઘણા દેશ તેને મંજૂરી આપવાના છે. આ અંગે ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા સોમવારે કોવેક્સિન બનાવતી કંપની ભારત બાયોટેકના અધિકારીઓ સાથે મીટિંગ કરશે.

વિશ્વ આરોગ્ય સંગઠનની ઈમર્જન્સી યૂઝ લિસ્ટિંગ તરફથી કોવેક્સિનને હજુ મંજૂરી નથી મળી. જે દેશોમાં આંતરાષ્ટ્રીય મુસાફરીની છૂટ અપાઈ છે, તેમણે પોતાની રેગ્યુલેટરી ઓથોરિટી કે પછી વિશ્વ આરોગ્ય સંગઠનની ઈમર્જન્સી યૂઝ લિસ્ટિંગ (ઈયુએલ) તરફથી માન્ય કરાયેલી વેક્સીનને જ મંજૂરી આપી છે. આ લિસ્ટમાં મોડર્ના, ફાઈઝર, એસ્ટ્રાજેનેકા, જાનેસેન (અમેરિકા અને નેધરલેન્ડમાં), સિનોફાર્મ/BBIP અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં બનેલી કોવિશીલ્ડ પણ આ લિસ્ટમાં છે. પરંતુ કોવેક્સિન નથી.

WHOના લેટેસ્ટ ગાઈડલાઈન્સ ડોક્યુમેન્ટ્સ મુજબ, ભારત બાયોટેકે ઈચ્છા વ્યક્ત કરી છે. પરંતુ, સંગઠન તરફથી આ રસી અંગે વધુ જાણકારી માગવામાં આવી છે. તેના મુજબ, પ્રી-સબમિશન મીટિંગ મે-જૂનમાં પ્લાન કરાઈ છ, તે પછી ફર્મ તરફથી ડોઝિયર સબમિટ કરાશે. તેની સમીક્ષા બાદ WHO તરફથી વેક્સીનને સામેલ કરવાનો નિર્ણય લેવાશે. આ પ્રક્રિયામાં થોડા સપ્તાહથી લઈને મહિના સુધીનો સમય લાગી શકે છે.

જો કોઈ વેક્સીન ઈયુએલના લિસ્ટમાં નથી કે પછી કોઈ દેશ તરફથી અપ્રૂવ નથી કરાઈ, તો એવી પરિસ્થિતિમાં મુસાફરને નોન-વેક્સીનેટેડ માનવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો