મોરબીના ખાટકીવાસ, શક્તિ ચોકના 15 જેટલા ગેરકાયદે દબાણોનું ડિમોલીશન

માર્ગ પહોળો કરવામાં આવરોધ રૂપ બાંધકામ તોડી પડાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-05-2021

મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં ગઈકાલે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થાય બાદ પોલીસની હાજરીમાં આ વિસ્તારમાં ગેરકાયદે દબાણો ઉપર ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસની હાજરીમાં પાલિકા તંત્ર દ્વારા મચ્છીપીઠ,શક્તિચોક, ખાટકીવાસ સહિત વિસ્તારમાં ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને આ દબાણો દૂર કરીને રસ્તો પહોળો કરવામાં આવશે તેવો પાલિકા તંત્રએ નિર્દેશ આપ્યો છે.

મોરબીના મચ્છીપીઠમાં ગઈકાલે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. આ ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પણ ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા એક પોલીસ જવાનને ઇજા પહોંચી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને એસપી એસ.આર.ઓડેદરા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને એસપીએ મચ્છીપીઠમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની સૂચના આપી હતી. જેના પગલે મોરબી નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં રોડને નડતરરૂપ મકાનો પાસેના છાપરા અને દુકાનો પાસેના ઓટલા દૂર કરવા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મચ્છીપીઠમાં માર્ગ પહોળો કરવામાં અવરોધરૂપ ગેરકાયદે બાંધકામો તોડી પડાયા બાદ બપોરે ડીમોલેશન ટિમ શક્તિ ચોક, ખાટકીવાસમાં પહોંચી હતી.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે

પાલિકાકર્મીઓએ શક્તિચોક, ખાટકીવાસમાં ગેરકાયદે 15 જેટલા છાપરા, ઓટલા, દુકાનો, કેબીનો સહિતના દબાણો પર બુલડોઝર ફેરવી જમીન ખુલ્લી કરાવી હતી. આ સમયે લોકોના ટોળા એકત્રિત ન થાય એ માટે અગમચેતીના પગલાં લેવાયા હતા

મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ કહ્યું હતું કે, ગતરાત્રે મચ્છીપીઠમાં ઝઘડો થયા બાદ પોલીસે ગેરકાયદે પેશકદમી કરનારના દબાણો દૂર કરવાની સૂચના આપી હતી.જો કે મચ્છીપીઠમાં રોડ પહોળો કરવા માટે અગાઉ તંત્રએ દબાણ કરનારાઓને દબાણો દૂર કરવાની નોટિસ ફટકારી હતી. તેમ છતાં દબાણો ન હટાવતા પાલિકાની ટીમ તેમજ એ ડિવિઝન પીઆઇ સોનારા અને ટ્રાફિકના અધિકારી ઝાલા સહિતની ટીમની હાજરીમાં મચ્છીપીઠમાં, શક્તિચોક, ખાટકીવાસ સહિત વિસ્તારમાં ડીમોલેશન કરવામાં આવ્યું હતું.અગાઉ પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પણ ત્યારે રોડ બની શક્યો ન હતો હવે રોડ પહોળા કરવાનું નક્કી થતા રોડ પહોળા કરવાની રેન્જમાં જે પણ કાચા-પાકા દબાણો હશે તે દૂર કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો