મોરબીમાં વાવાઝોડાથી છૂટું છવાયું નુકસાન, ઉનાળુ પાકને ભારે નુકસાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-05-2021

તાઉ’તે વાવાઝોડાની અસર મોરબી જિલ્લામાં નહીંવત જોવા મળી હતી. સોમવારે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઇ હતી. જોકે વાવાઝોડું જમીન પર ટકરાયા બાદ આગળ વધતા દિશામાં બદલાવ આવતા મોરબી જિલ્લાને નહીંવત અસર થવા પામી હતી. તેમ છતાં મોરબી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ આવવાથી છુંટુ છવાયું નુકસાન થવા પામ્યું છે.મોરબી જીલ્લામાં ભારે પવનના કારણે મોરબી તાલુકામાં 32 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જેમાંથી 17 જેટલા ગામોમાં તાત્કાલીક વીજ પુરવઠો ચાલુ કરી દેવાયો હતો જ્યારે અન્ય ગામોમાં વીજ પુરવઠો યથાવત કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. મોરબી શહેરી વિસ્તારની વાત કરીએ તો વાવાઝોડાની અસરના લીધે એક પણ વીજપોલને નુકસાન, રસ્તા બંધ થવા, ઇમારત, વૃક્ષો પડવા, કાચા-પાકા મકાન કે ઝુપડાને નુકસાન નહોતું થયું. મોરબી તાલુકામાં 3 વૃક્ષો પડી ગયા હતા. મોરબી નગર પાલિકા વિસ્તારમાં 2 આશ્રય સ્થાનો પર 340 લોકોને સ્થળાંતરીય કરવામાં આવ્યા હતા.વાકાંનેર તાલુકામાં 3 વીજપોલને નુકસાન થયું હતું. 2 વૃક્ષો પડી ગયા હતા અને 39 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જેમાંથી 18 જેટલા ગામોમાં તાત્કાલીક અસરથી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો હતો. વાકાંનેર પાલિકા વિસ્તારમાં 2 આશ્રય સ્થાન પર 82 લોકોને સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા. માળીયા તાલુકામાં 13 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો જેમાંથી 9 ગામોમાં તાત્કાલીક અસરથી વીજ પુરવઠો યથાવત કરાયો હતો. ટંકારા તાલુકામાં વાવાઝોડાની અસર નહીવત જોવા મળી હોવાથી કોઇપણ પ્રકારની નુકસાની થઇ નથી. હળવદ તાલુકામાં વાવાઝોડાની અસરથી કોઇપણ પ્રકારની જાનમાલની નુકસાની નોંધાઇ નથી. જોકે 3 જેટલા વીજપોલને નુકસાન થયેલ હતું જે ખેતી વિષયક વીજ જોડાણ ધરાવતા હોઇ વીજ પુરવઠાને કોઇ અસર પહોંચી નહોતી.

ઉનાળુ પાકને ભારે નુકસાની

વાવાઝોડાની અસર તળે ફુંકાયેલા જોરદાર પવન અને વરસાદને કારણે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ વચ્ચે મોરબી, વાંકાનેર, હળવદ અને ટંકારામાં ખેડૂતોએ વાવેલ તલ, બાજરી, જુવાર, અળદ અને મગ સહિતના પાકને અંદાજે 50 ટકાથી વધુ નુકશાન પહોંચ્યું છે. બીજી તરફ નુકશાનીનો તાગ મેળવવા ગ્રામસેવક દ્વારા ગામે-ગામ સર્વે પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે.

મોરબી જિલ્લા ખેતીવાડી વિભાગના સત્તાવાર આંકડા મુજબ ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં 10792 હેક્ટર જમીનમા ઉનાળુ પાકનું વાવેતર થયું છે. જેમાં 682 હેક્ટરમાં બાજરી, 399 હેક્ટરમાં મગ, 1015 હેક્ટરમાં અડદ, 1015 હેક્ટરમાં મગફળી, 2479 હેકટર જમીનમાં તલ, 1067 હેક્ટરમાં શાકભાજી અને 4445 હેકટર જમીનમાં ઘાસચારાનું વાવેતર થયું હતું અને હાલમાં મોટાભાગના ખેડૂતોનો ઉનાળુ પાક તૈયાર થઇ ગયો હતો પરંતુ છેલ્લા બે દિવસમાં વાવાઝોડાની અસરને કારણે મોરબી જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો