CM રૂપાણીએ વાવાઝોડામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો અને ઈજાગ્રસ્તો માટે વધારાની સહાય જાહેર કરી

આજે પીએમ મોદીએ મૃતકોને 2 લાખ અને અને ઈજાગ્રસ્તોને 50,000ની સહાય જાહેર કરી હતી જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકાર તરફથી મોટી રકમ ઉમેરી, જાણો હવે કેટલી મળશે સહાય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-05-2021

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Rupani) ગુજરાત પર આવેલી તાઉતે વાવાઝોડાની (Cylcone Tauktae) આફતથી થયેલા નુકસાનમાં તાત્કાલિક રાહત સહાય માટે 1000 કરોડની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) કરેલી જાહેરાતને આવકારી ને વડાપ્રધાન અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમ પણ જાહેર કર્યું છે કે આ વાવાઝોડા ને કારણે જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે તેવા મૃતકો ના વારસદારો ને ગુજરાત સરકાર તરફથી પણ સહાયત ચુકવવામાં આવશે.

રાજ્ય સરકાર તરફથી જે વ્યક્તિનો આ વાવાઝોડામાં જીવ ગયો છે તેમના વારસદારોને ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સહાય ભારત સરકારે જાહેર કરેલી 2 લાખ ની સહાય ઉપરાંત અપાશે. આમ રાજ્યમાં વાવાઝોડા થી મૃત્યુ પામેલા વ્યક્તિઓ ના વારસદારો ને કુલ 6 લાખ ની સહાય મળશે.

મંત્રી રૂપાણીએ એવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે આ તાઉતે વાવાઝોડામાં ઇજા પામેલા લોકો ને રાજ્ય સરકાર 50 હજારની સહાય આપશે.આ સહાય પણ પ્રધાન મંત્રીએ જાહેર કરેલી સહાય ઉપરાંત રાજ્ય સરકાર આપશે એટલે કે આ વાવાઝોડાથી જેમને ઇજા થઇ છે તેવા ઇજાગ્રસ્તો ને કુલ 1 લાખ ની સહાય અપાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યમાં તાઉતે વાવાઝોડા ને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની વિશદ ચર્ચા વિચારણા તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનર્વસન અને પૂર્વવત્ સ્થિતિ પ્રસ્થાપિત કરવા માર્ગ મકાન ઊર્જા સહિત ના વિભાગો ના સચિવો ને તાકીદ કરવામાં આવી હતી.

CM વિજય રૂપાણી આવતીકાલે તા. 20મી મેના રોજ તાઉ’તે વાવાઝોડા પ્રભાવિત ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કરશે. મુખ્યમંત્રી રૂપાણી સવારે 10.00 કલાકે વાવાઝોડા પ્રભાવિત ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારના હવાઇ નિરીક્ષણ બાદ ત્રણેય તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત પણ કરશે. આ દરમિયાન મુખ્યમંત્રી સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરીને નુકસાનીનો અંદાજ મેળવશે તેમજ યુદ્ધના ધોરણે જનજીવન પૂર્વવત થાય તે માટે જરૂરી સૂચનાઓ- માર્ગદર્શન આપશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો