મુંબઇ નજીક P-305 નામનું જહાજ ડૂબ્યું: 170 લોકોની કોઈ પતો નથી!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-05-2021

મુંબઈથી 175 કિલોમીટર દૂર હીરા ઓઇલ ફીલ્ડ્સ નજીક તાઉ-તે વાવાઝોડાથી ફસાયેલા ભારતીય જહાજ પી-305 દરિયામાં ડૂબી ગયું છે. ભારતીય નેવી દ્વારા 146 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે 170થી વધુ લોકો ગુમ છે. આ જગ્યાએ એક અન્ય ભારતીય જહાજ ફસાયું છે. એમાં સવાર લોકોને બચાવવા આઈએનએસ કોલકાતાને મોકલવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે એમાં 137 લોકો સવાર છે. એમાંથી 38 લોકોને સુરક્ષિત રેસ્ક્યૂ કરાયા છે.

ભારતીય નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક મધવાલે કહ્યું, બોમ્બે હાઇ વિસ્તારમાં સ્થિત હીરા ઓઇલ ક્ષેત્રમાં જહાજ p -305ની મદદ માટે આઈએનએસ કોચ્ચીને રવાના કરવામાં આવ્યું હતું. આઈએનએસ તલવારને પણ સર્ચ અને રાહત કામગીરી માટે તહેનાત કરાયા હતા. બીજું જહાજ એટલે કે જીએએલ ક્ધસ્ટ્રક્ટરનો પણ ઇમર્જન્સી સંદેશ મળ્યો હતો, જેના પર 137 લોકો સવાર છે અને એ મુંબઈ કિનારે આઠ નોટિકલ માઇલ દૂર છે.

આઈએનએસ કોલકાતાને એની મદદ માટે રવાના કરવામાં આવ્યું છે. અત્યારસુધીમાં સવાર 38 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.

કમાન્ડર મધવાલે જણાવ્યું હતું કે આ પહેલાં સોમવારે દિવસમાં અરબી સમુદ્રમાં આવેલા ચક્રવાતને કારણે પાણી ભરાઈ ગયેલા ભારતીય ટગબોટ કોરોમંડલ સપોર્ટર આઈએક્સમાં ફસાયેલા 4 ક્રૂ-સભ્યોને નેવી હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સમુદ્રમાં ફસાયેલા આ જહાજના મશીનરી ભાગોમાં પાણી ભરાઈ ગયું હતું, જેને કારણે એ આગળ વધી શકતું ન હતું. એનો વીજપુરવઠો પણ બંધ કરાયો હતો.

તેમણે માહિતી આપતાં કહ્યું હતું કે ચક્રવાતને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળની 11 ટીમો તૈયાર રાખવામાં આવી છે. બાર પૂર રાહત ટીમો અને મેડિકલ ટીમો પણ તહેનાત કરવામાં આવી છે, વાવાઝોડા પ્રભાવિત રાજ્યોમાં જરૂર પડવા પર એને મોકલવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો