એરફોર્સ-નેવી-આર્મીને મદદ માટે તૈયાર રહેવા કેન્દ્રની સુચના

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-05-2021

કેન્દ્ર સરકારે NDRFની 44 ટીમ ફાળવી આપી છે. જે દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોચી ગઇ છે. સાથોસાથ આર્મી, નેવી અને એરફોર્સને પણ ગુજરાતની મદદ-સહાય માટે તૈયાર રહેવા કેન્દ્ર સરકાર દ્વારા જણાવી દેવાયું છે

ગુજરાતમાં આજે ત્રાટકનારા વિનાશક તાઉ તે વાવાઝોડા સામે ટક્કર લેવા ગુજરાતે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી દોઢ લાખથી વધુ લોકોનું સ્થળાતર કરી દેવાયુ છે. વાવાઝોડાને કારણે વીજ પૂરવઠો ખોરવાઈ જાય તો પૂર્વવત કરવા માટે 661 ટીમ તૈયાર રખાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓને કોઈ તકલીફ ના પડે તે માટે 160 જેટવી આઇ.સી.યુ ઓન વ્હીલ્સ, 607 જેટલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ વાન, આરોગ્ય વિભાગની 744 ટીમ તૈયાર રખાઈ છે. કેન્દ્ર સરકારે એરફોર્સ, નેવી અને આર્મીને ગમે તે ઘડીએ મદદ કરવા માટે તૈયાર રહેવા સુચના આપી દીધી છે.

ગુજરાત સરકારે વાવાઝોડા તાઉ તે ને લઈને કરેલી વ્યવસ્થા અંગેની રૂપરેખા જણાવતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકારે આ વાવાઝોડામાં કોઇની પણ જાનહાનિ ન થાય તે માટે ઝીરો કેજ્યુએલટીના ઉદ્દેશ સાથે આયોજન કર્યુ છે. ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ જેવા કે, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, કચ્છ, જામનગર, દેવભૂમિદ્વારકા, વલસાડ, ભરૂચ સહિતના જિલ્લાઓના દરિયાકાંઠે વસેલા તેમજ કાચા મકાનોમાં, નદી કિનારે વસતા આશરે દોઢ લાખથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કામગીરી કરી દેવાઈ છે. હજુ પણ જ્યા જરૂર રહે તેવા વિસ્તારમાંથી સ્થળાંતર કરાઈ રહ્યું છે.

ગુજરાતના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે પણ તાઉ તે વાવાઝોડાની કોઈ અસર ના થાય તેવુ આયોજન કરાયુ છે. જેમાં 1400 જેટલી કોવિડ હોસ્પિટલોમાં પાવર બેક અપ ડી.જી. સેટ તૈયાર રાખવા સૂચનાઓ આપી છે. 1000 ટન એકસીજનની જરૂરિયાત સામે 1700 ટન વધારાનો જથ્થો ફાળવી દેવાયો છે. રેમડીસીવીર ઇન્જેકશનો પણ પૂરતી માત્રામાં દરિયાકાંઠાના જીલ્લાઓની હોસ્પિટલોમાં મોકલી અપાયો છે.

કેન્દ્ર સરકાર તાઉ તે વાવાઝોડાની તમામ ગતીવિધી ઉપર નજર રાખી રહી હોવાનું જણાવીને મુખ્ય પ્રધાને કહ્યુ કે, કેન્દ્ર સરકારે NDRFની 44 ટીમ ફાળવી આપી છે. જે દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોચી ગઇ છે. સાથોસાથ આર્મી, નેવી અને એરફોર્સને પણ ગુજરાતની મદદ-સહાય માટે તૈયાર રહેવા કેન્દ્ર સરકાર દ્વારા જણાવી દેવાયું છે.

ગુજરાતમાંથી દરિયો ખેડવા ગયેલા તમામ માછીમારો પરત આવી ગયા છે. તો અસરગ્રસ્ત વિસ્તારમાં પશુ પાલકોને પણ કોઈ હાલાકી ના થાય તેના માટે ગુજરાતના પશુપાલન વિભાગને સુચના આપીને પશુઓને પણ વાવાઝોડા તાઉ તે સામે રક્ષણ આપવાની સુચના આપી દેવાઈ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો