વાંકાનેર: ભાજપના યુવા અગ્રણી હિરેન પારેખને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-05-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેરમાં કોવિડ કેર સેન્ટરમાં એક દર્દીને સારવાર આપવાની ના પાડતા આ દર્દીના ત્રણ સગાઓએ કોવિડ સેન્ટરના સંચાલક અને ભાજપ આગેવાન અને નોડલ ઓફિસર હિરેન પારેખને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે હિરેન પારેખે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાકાનેરના રામચોક, શુકલ શેરીમાં રહેતા હીરેનભાઇ રમેશભાઇ પારેખ (ઉ.વ.36) એ આરોપીઓ રૂષીભાઇ ઝાલા (રહે. વાંકાનેર, આરોગ્યનગર), નરેન્દ્રસિહ ઉર્ફે નારૂભા ઝાલા (રહે. ખેરવા) બળુભા જોરૂભા ઝાલા (રહે. વાંકાનેર પેડક) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી વાંકાનેરમાં 32 દિવસથી ચાલતા ગાયત્રી મંદિર ટ્રંસ્ટ સંચાલિત ગાયત્રી મંદિર પાસે આવેલ કોવિડ કેર સેન્ટરમાં નોડલ ઓફિસર તરીકે સેવા આપે છે.

દરમિયાન આરોપીના જમાઇની થોડા દીવસ પહેલા તબીયત ખરાબ હોય કોવિડ કેર યુનીટમા સારવાર લેવા બાબતે ફરીયાદીએ ના પાડતા તે બાબતનો રોષ રાખી આરોપીઓએ ગઈકાલે કોવીડ કેર સેન્ટર સામે ગ્રાઉન્ડમા આવી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકા પાટુનો મુંઢ માર મારી પછાડી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ નોંધીને વાંકાનેર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો