‘તૌકતે’ વાવાઝોડાને લઈ PGVCL – GETCO ના ૨૦૦૦ અધિકારી – કર્મચારીઓની ટીમ ખડેપગે : ઊર્જા મંત્રીએ સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાની સમીક્ષા કરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-05-2021

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તૌકતે વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના છે ત્યારે રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા આ સંભવિત વાવાઝોડાને કારણે ઊભી થતી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધેલ છે.

સમગ્ર પૂર્વ આયોજનની આખરી ઓપ આપી અને સમીક્ષા અર્થે રાજ્યના ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે રાજકોટ ખાતે પીજીવીસીએલ (PGVCL) અને જેટકોના (GETCO) અધિકારીઓ સાથે એક ખાસ બેઠક બોલાવી હતી.

ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલે રાજકોટ પીજીવીસીએલ, કોર્પોરેટ ઓફિસ ખાતેથી સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છના પીજીવીસીએલ અને જેટકોના દરેક સર્કલ – ડિવિઝનના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી સંભવિત વાવાઝોડાની અસરોને લીધે વીજપુરવઠો ખોરવાઈ તો યુદ્ધના ધોરણે વીજપુરવઠો પૂર્વરત કરી શકાય તે માટે દરેક મુદે ઝીણવટભર્યુ-અભ્યાસુ માર્ગદર્શન આપ્યું હતું. બેઠક બાદ તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. ઊર્જા મંત્રીએ પત્રકારોને જણાવ્યું છે કે અરબ સાગરમાં લૉ પ્રેસર થી સંભવિત વાવાઝોડું “તોક્તે” જો સાયક્લોનમાં પરિણમે તો ગુજરાતના કચ્છ તથા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અસર થઇ શકે એમ છે અને તેને ધ્યાને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળ રાજ્યનું સમગ્ર ઊર્જા વિભાગ આગોતરા આયોજન સાથે સતર્ક છે. વીજ સુરક્ષા અને સલામતીના જરૂરી તમામ કદમ ઉઠાવવા અને રાહત કાર્ય આપવા માટે પી. જી. વી. સી. એલ અને જે.ટ. કો. ની તમામ ટીમો સુસજ્જ છે. સૌરાષ્ટ્ર – કચ્છ વિસ્તારના કુલ ૧૨ જિલ્લાઓમાં કુલ ૩૯૧ કોવીડ હોસ્પિટલોમાં ૨૩૨ ફીડરો દ્વારા વીજ પુરવઠો પૂરો પાડાય છે અને આકસ્મિક સંજોગોમાં જો કોઈ વીજવિક્ષેપ ઉભો થાય તો નજીકના અન્ય ફીડરમાંથી વીજ પુરવઠો સત્વરે ચાલુ કરી આપવા માટેની વ્યવસ્થા ઉભી કરેલ છે.

આજની સમીક્ષા બેઠકમાં જી.યુ.વી.એન.એલ.એલ. ના એમ.ડી. અને પી.જી.વી.સી.એલ. ના ચેરમેન શાહમીના હુસેન, પીજીવીસીએલના એમ.ડી. શ્વેતા ટીઓટીઆ, અન્ય અધિકારી જે.જે.ગાંધી, એન.એન ભટ્ટ ઉપસ્થિત રહયા હતા. પત્રકાર પરિષદમાં ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવ પણ ઉપસ્થિત રહયા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો