Taukte વાવાઝોડાં સામે ઍક્શનમાં સરકાર

ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહે રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લા કલેકટરોને આપ્યા મહત્વના આદેશ

દરિયાકાંઠે સોમવારે 100થી 150 કિ.મી.ની ઝડપે ત્રાટકવાની સંભાવના: NDRFની ટીમો તૈનાત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-05-2021

(મલકેશ બુધ્ધભટ્ટી દ્વારા) ભારતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, તૌકતે વાવાઝોડુ આગામી 17મી મેના રોજ ગુજરાતના દરિયા કિનારે પહોંચે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્ર ઝોનના 14 જેટલા જિલ્લાઓને આ વાવાઝોડાની અસર થાય તેવી શક્યતાને ધ્યાને રાખીને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોઇ પ્રકારની જાન કે માલહાનિ ન થાય કે કોઇ નુકશાન ન થાય તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યના વહીવટીતંત્રને સતર્ક રહેવા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. રાજ્યનું વહીવટી તંત્ર આ વાવાઝોડા સામે સંપૂર્ણ રીતે સુસજ્જ છે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે હવે કુદરતી આફત નો ખતરો હવે ગુજરાત ના માથે તોળાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા તોટકે વાવાઝોડાને લઈને સરકાર હવે એક પછી એક એક્શન પ્લાન તૈયાર કરી રહી છે. જેથી વાવાઝોડુ ગુજરાતના દરિયા કાંઠે ટકરાય તો તેની ઓછામાં ઓછી અસર થાય. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરવામાં આવી. તેમજ એનડીઆરએફની ટીમોને સાગરકાંઠે તૈનાત કરવામાં આવી છે.

મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, તૌકતે અનુસંધાને ભારતના હવામાન ખાતાની આગાહી મુજબ અરબી સમુદ્રનું ડિપ્રેશન છે તે તા.15 મી મે ના રોજ સાયકલોનમાં પરિણમે તેવી પુરી સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારાના જિલ્લાઓના કેટલાક ગામોમાં આ વાવાઝોડાની અસર થાય તેવી સંભાવના છે. જો આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારે અથડાશે તો હાલના અનુમાન મુજબ 140 થી 150 કિમી/કલાકની ગતિથી વાવાઝોડાનો પવન રહેશે તેવું આઈ.એમ.ડી. વિભાગનું અનુમાન છે. એટલુ જ નહી સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના વહીવટી તંત્ર દ્વારા દરિયો ખેડવા ગયેલા માછીમારોને આવતી કાલ સુધીમાં પરત આવવાનો સંદેશો પણ પહોંચાડી દઇ માછીમારો પરત આવે ત્યાં સુધીની ફોલોઅપ કામગીરી પણ ચાલી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો