વેપારીઓને એક વર્ષ સુધી પેનલ્ટી-વ્યાજમાંથી માફી આપો

કોરોના મહામારી અને લોકડાઉનના કારણે વેપાર – ધંધાને માઠી અસર, આજીવિકા માટે સરકાર યોજના બનાવે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-05-2021

પ્રોફેશનલ ટેક્ષ, પ્રોપર્ટીટેક્ષમાં રાહતની માંગણી, 18મીએ વેપારી સંગઠનો સાથે મુખ્યમંત્રીનો વેબિનાર યોજવા ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનની રજૂઆત: કોરોનાના સમયગાળામાં વેપારીઓને મોટો બોજ ભોગવવો પડયો છે. તે દુકાન/શો રૂમ ભાડાનો છે. જે માટે સરકારે દરેક વેપારીઓના જીએસટી ટર્નઓવરના આંકડાઓ પરથી તેમના વેપારમાં થયેલા ઘટાડાના અંદાજ મુજબ આકલન કરી જીએસટી પેમેન્ટમાં રાહત આપવા તેમ જ મુદત વધારી આપવાની માંગણી કરાઇ છે. તેની સાથે આ લોકડાઉનના કારણે ભોગવેલી નાણાંકીય તંગીને ધ્યાનમાં લઇને આગામી એક વર્ષ સુધી કોઇપણ જાતની પેનલ્ટી અને વ્યાજમાંથી મુક્તિ આપવા ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન તરફથી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત વેપારીઓ સાથે સીધો સંવાદ થાય તે માટે મુખ્યમંત્રીને 18મીના રોજ ગુજરાતના વેપારી સંગઠનોના અગ્રણીઓ સાથે વેબિનાર મીટીંગ ગોઠવવા વિનંતી કરી છે.

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સમગ્ર રાજયમાં નાના મોટા વેપારીઓ અને સ્વરોજગાર મેળવનારા ધંધાર્થીઓના સહકારની રાજય ગુહમંત્રી પ્રદિપસીંહ જાડેજાએ જાહેરમાં નોંધ લીધી છે તેનો સંતોષ છે. અને સરકાર વેપારી સમાજ માટે ચિંતિત છે તે વિધાન આવકારદાયક છે. સરકારે વેપારીઓની તકલીફો માટે સહાનુભૂતિપૂર્વક વિચારવાની અને તેમને આજીવીકા માટે મદદ કરવાની યોજના તૈયાર કરવાની અગ્રીમતા આપવાની જરૂરત છે. વધુમાં જણાવ્યું છે કે, માર્ચ 2020થી વેપારીઓ પાસેથી જે પ્રોફેશનલ ટેક્સ વસૂલવામાં આવ્યો છે.તે સરકારના ચોપડે કર્મચારીઓની વિગતો સાથે છે. છેલ્લાં એક વર્ષમાં લોકડાઉનના કારણે મોટાભાગના કર્મચારીઓ પૂર્ણ સમયનું કામ કરી શકયા નથી. તો કર્મચારી દીઠ 6 હજાર લેખે છ માસ જેટલી સહાય ચુકવવી જોઇએ. આવતા છ માસ સુધી પ્રોફેશનલ ટેક્સ ભરવામાંથી વેપારીઓને મુક્તિ આપવી જોઇએ.

વધુમાં એવી પણ માંગ કરી છે કે, કોરોનાના સમયે 2020માં સરકારે પ્રોપર્ટી ટેક્ષમાં 20 ટકા રાહતની જાહેરાત કરી હતી. પરંતુ તે ટૂંકાગાળા માટેની હોવાથી વેપારીઓને નિયમિત વેપાર શરૂ થયા ન હતા. બીજી તરફ આર્થિક ભીડ હોવાથી મોટાભાગના વેપારીઓ આ લાભથી વંચિત રહી ગયા હતા. જેથી ગત વર્ષમાં જે લોકોને રાજય સરકાર દ્રારા 2020-21ના વર્ષના પ્રોપર્ટી ટેક્ષમાં જાહેર કરવામાં આવેલા 20 ટકા રિબેટનો લાભ મળ્યો નથી. તેમને તેમના ખાતામાં ક્રેડિટ આપવામાં આવે. ઉપરાતં હાલમાં જે વિકટ પરિસ્થિતિ છે. તે માટે પણ નાણાંકીય વર્ષ 2020-21 પણ રાજય સરકારે પ્રોપર્ટી ટેક્ષમાં 30 ટકા જેટલી રાહત જાહેર કરવી જોઇએ. જે માટે ઓક્ટોબર સુધીની મુદત આપવી જોઇએ.

વેપારીઓ દ્વારા કઇ કઇ માંગણીઓ રજુ કરાઇ

1 વર્ષ સુધી તમામ પેનલ્ટી અને વ્યાજમાં મુકિત

વેપાર ઘટાડાનું આકલન કરી જીએસટીના પેમેન્ટમાં રાહત આપવી અને મુદત વધારવી

કર્મચારી દિઠ વેપારીને માસિક 6 હજાર સહાય ચુકવવી

છ માસ સુધી પ્રોફેશનલ ટેકસ ભરવામાંથી મુકિત આપવી

પ્રોપટીટેક્ષમાં 30 ટકા રાહત જાહેર કરવી

પ્રોપર્ટીટેક્ષમાં 20 ટકા રાહતનો લાભ નહીં મેળવી શકનાર વેપરીઓને ક્રેડીટ આપો

વેપારીઓને આજીવિકા માટે મદદ કરવા યોજના તૈયાર કરવી

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો