રાજકોટ: વેક્સિનેશનમાં ડુપ્લીકેટ ટોકનનું કૌભાંડ: 100 રૂા.માં વેચાય છે ટોકન

એક દિવસના ટોકન પૂરા થઈ ગયા બાદ રાત્રે જ લાગવગીયાઓને ટોકન આપી દેવાય છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-05-2021

રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 48 કેન્દ્રો ઉ5ર 18 વર્ષથી 44 વર્ષના લોકોનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. જેના માટે રજિસ્ટ્રેશન કરાવવાનો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે. પરંતુ, 45 વર્ષથી વધુ વય ધરાવતા તેમજ બીજો ડોઝ લેનાર વ્યકિત ડાયરેકટ આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ વેક્સિનેશન કરાવી શકે છે. આરોગ્ય કેન્દ્ર ખાતે હાલમાં તંત્ર દ્વારા ટોકન વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. તેમાં પણ આજે મોટુ કૌભાંડ બહાર આવ્યું છે. જે મુજબ, કેન્દ્રના કર્મચારીઓ દ્વારા લાગતા-વળગતાઓને અગાઉથી ટોકન આપી દેવામાં આવતા હોવાનું બહાર આવતાં આ બનાવની તપાસ કરવાની માંગ ઉઠી છે.

રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા ઝોન વાઈઝ 24 સ્થળ ઉપર 4પ વર્ષથી વધુ વય ધરાવતા વ્યકિત તેમજ બીજો ડોઝ લેવાનો હોય તે તમામ વ્યકિતઓને કોરોના વિરોધી રસીનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. 28 દિવસ થઈ ગયા હોય તેવી કોઈપણ વ્યકિત બીજો ડોઝ લઈ શકે છે. જેમાં આજથી 42 દિવસનો નિયમ સરકાર દ્વારા અમલી બનાવ્યો છે. છતાં પ્રથમ ડોઝ લેવાનો હોય અને 45 વર્ષથી વધુ વય ધરાવતા લોકો મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતેથી ટોકન લઈ ડોઝ લઈ રહ્યા છે. જેમાં છેલ્લા પાંચ દિવસથી લોકોને ધકકા થઈ રહ્યા હોવાનું બહાર આવતાં તપાસ કરતા માલુમ પડેલ કે અમૂક સ્લમ વિસ્તારોમાં રૂા.100ના ભાવથી ટોકન વેંચવામાં આવી રહ્યા છે. જ્યારે અમૂક કેન્દ્રો ઉપર તંત્રના અમૂક ભ્રષ્ટ કર્મચારી દ્વારા અગાઉથી લાગતા વળગતાઓને ટોકન આપી દેવાતા વહેલી સવારે વેક્સિનેશન માટે આવતા લોકોને ટોકન નથી મળી શકતા. તેમજ બપોર પછીના સમયના ટોકન આપવામાં આવતા દેકારો બોલી ગયો છ.ે આ બાબતે તપાસ કરવાની માંગ ઉઠી છે. તેમજ મેયર, મ્યુનિ. કમિશ્નર અને સ્ટે. ચેરમેન સુધી ફરિયાદ પહોંચી હોવાનું જાણવા મળેલ છે. અમૂક કેન્દ્ર ઉપર સવારે 8:30 વાગ્યે વેક્સિનેશન શરૂ થાય તે પહેલા જ ટોકનની ફાળવણી થઈ ગયાનું પણ બહાર

આવ્યું છે. આથી ચેરમેન પુષ્કરભાઈ પટેલ દ્વારા તપાસ હાથ ધર્યા બાદ ઘટતું કરવામાં આવશેે તેવી ખાતરી આપવામાં આવી છે.

લોકો ઘરે બનાવે છે ટોકન: મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે 45 વર્ષથી વધુ વય ધરાવતા તેમજ બીજો ડોઝ લેનાર વ્યકિતઓને આપવામાં આવતા ટોકન સિસ્ટમમાં મોટુ કૌભાંડ બહાર આવ્યું છે. અમુક કેન્દ્ર ઉપર લાગ-વગીયાઓને અગાઉથી ટોકન આપી દેવામાં આવે છે. જ્યારે અમૂક કેન્દ્ર ઉપર રૂા.100ના ભાવથી ટોકન વેચાઈ રહ્યાનું બહાર આવ્યું છે. પરંતુ, આશ્ર્ચર્યની વાત એવી બહાર આવી છે કે જેમાં લોકો ઘરેથી ડુપ્લીકેટ ટોકન બનાવી લાઈનમાં ઉભા રહી જાય છે. પરંતુ, એકના એક નંબર બીજી વખત આવતાં આ પ્રકારના ટોકનો બની રહ્યાનો પણ આજે ભાંડો ફૂટ્યો છે. આથી તંત્ર દ્વારા આગામી દિવસોમાં ટોકન ઉપર ખાસ પ્રકારનો લોગો લગાવવાની કાર્યવાહી હાથ ધરાશે તેમ જાણવા મળેલ છે.

વેક્સિનેશન કેન્દ્ર ખાતે બેઠક વ્યવસ્થા વધારાશે: ચેરમેન: હાલમાં 24 આરોગ્ય કેન્દ્ર ઉપર 45 વર્ષથી વધુ વય ધરાવતા તેમજ પ્રથમ ડોઝ લેનાર અને બીજો ડોઝ લેનાર લોકોનું વેક્સિનેશન થઈ રહ્યું છે. પરંતુ, અમૂક કેન્દ્રો ઉપરથી ફરિયાદો ઉઠવા પામી છે કે, સિનિયર સીટીઝનો માટે બેસવાની વ્યવસ્થા નથી. દરેક કેન્દ્ર ઉપર હાલ 20 સિટીંગની વ્યવસ્થા રાખવામાં આવી છે. પરંતુ એક કેન્દ્ર ખાતે દરરોજ 300થી વધુ લોકોનું વેક્સિનેશન થતું હોય પ્રથમ કલાકમાં 100થી વધુ લોકો ડોઝ લઈ રહ્યા છે. ત્યારે ઓછામાં ઓછી 50 ખુરશીની વ્યવસ્થા કેન્દ્ર ખાતે હોવી જોઈએ તેવી ફરિયાદ આવતાં સ્ટે. ચેરમેને દરેક વેક્સિનેશન કેન્દ્ર ખાતે વધુ ખુરશીની વ્યવસ્થા ઉભી કરવાના આદેશ કર્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો