કોરોના દર્દીઓને ખૂલ્લેઆમ લૂંટનારી કેટલીક હોસ્પિટલો સામે તંત્ર બન્યું ધૃતરાષ્ટ્ર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-05-2021

કોરોનાની બીજી લહેર કહેર બનીને દેશ પર તૂટી પડી છે. અમદાવાદમાં પણ રોજના હજારો કેસ નોંધાઈ રહ્યા છે. શહેરની મોટાભાગની સરકારી અને ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ભરાઈ ગઈ છે. કોરોના મહામારી શરૂ થઈ તે સમયે શરૂઆતમાં તો ઘણી અંધાધૂંધી સર્જાઈ હતી અને તેનો કેટલીક હોસ્પિટલોએ ભારે લાભ ઊઠાવ્યો હતો અને કોરોના દર્દીઓ પાસેથી મનફાવે તેમ ચાર્જિસ વસૂલ્યા હતા. કોરોના દર્દીઓને લૂંટીને માલામાલ થઈ ગયેલી કેટલીક હોસ્પિટલોના નામ પણ સામે આવ્યા હતા, પણ તંત્રની મિલીભગતના કારણે આ હોસ્પિટલો સામે કોઈ નક્કર પગલાં લેવાયા ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

કોરોનાની બીજી લહેરમાં એપ્રિલના મધ્યમાં જ અમદાવાદ શહેરમાં રોજના 5 હજારથી વધુ કોરોના દર્દીઓ નોંધાવા લાગ્યા હતા. સરકારી અને ખાનગી હોસ્પિટલોના બધા બેડ ભરાઈ ગયા હતા. હાલત એવી થઈ ગઈ હતી કે, દર્દીઓને ઓક્સિજન અને આઈસીયુ સાથેના બેડ શોધવાના ફાંફા થઈ ગયા હતા. વેન્ટિલેટરના વેઈન્ટિંગ બોલાતા હતા. આવી સ્થિતિમાં ઘણા દર્દીઓના મોત પણ નિપજ્યા. કોરોનાની આ કપરી સ્થિતિમાં ઘણા ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓએ પોતાના જીવની પરવા કર્યા વિના દર્દીઓને બચાવવામાં દિવસ-રાત એક કરી દીધા છે. પરંતુ, કેટલીક હોસ્પિટલો એવી હતી કે જેણે સરકારે ભાવ નક્કી ન કર્યા ત્યાં સુધી કોરોના દર્દીઓને ઘણા લૂંટ્યા હતા. આવી હોસ્પિટલોને નોટિસો પણ અપાઈ હતી અને દંડ પણ ફટકારાયો હતો. પરંતુ બાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સાંઠગાંઠ થઈ જતા મામલો ઠંડો પાડી દેવાયો અને પગલાં લેવાની વાત જાણે ભૂલી જ જવાઈ છે.

કોરોનાના કેસો વધતા સરકારી હોસ્પિટલો દર્દીઓની સારવાર કરવામાં પહોંચી વળે તેમ ન હોવાથી સરકારે ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે ડેઝિગ્નેટ કરી હતી. જેમાં ખાનગી હોસ્પિટલોના 50 ટકા બેડ કોર્પોરેશન હસ્તક લઈ લેવાયા હતા અને 50 ટકા બેડ જે-તે હોસ્પિટલો પાસે રાખવામાં આવ્યા હતા. તેના ચાર્જિસ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાનગી હોસ્પિટલો વચ્ચે સમજૂતી પણ થઈ હતી. જોકે, તેમ છતાં શરૂઆતમાં કેટલીક ખાનગી હોસ્પિટલોએ વધુ ચાર્જ લીધાની ફરિયાદો ઉઠી હતી. જેને પગલે કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આવી હોસ્પિટલોને નોટિસ ફટકારી ડિનોટિફાય પણ કરાઈ હતી. તેમને દંડ પણ કરાયો, પણ બાદમાં કોઈ પગલાં લેવાયા ન હતા.

વર્ષ 2020માં 9મી જુલાઈ, 11મી ડિસેમ્બરે અને 15મી ડિસેમ્બરે તેમજ 20 માર્ચ, 2021એ અલગ-અલગ પરિપત્રો કરી વિવિધ ચાર્જિસ નક્કી કરવામાં આવ્યા હતા. તેમાં બીજા તબક્કે મ્યુનિ કોટાના જે 20 ટકા બેડ રિઝર્વ રખાયા હતા તેના ચાર્જિસ નક્કી કરાયા હતા. બેડના ચાર્જિસ ઉપરાંત લેબોરેટરી ટેસ્ટીંગના ચાર્જિસ પણ નક્કી થયેલા છે, પણ તેનું પાલન થાય છે કે નહીં તેની મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ક્યારેક તપાસ કરવામાં આવતી હોવાનું જણાતું નથી. એક વખત તો હાઈકોર્ટે સૂચના આપતા ચાર્જ ઘટાડવા પડ્યા હતા. એટલું જ નહીં, રેમડેસિવિયર ઈન્જેક્શન, ટોસિલીમેઝ, ફેબીફ્લૂ ટેબલેટ અને અન્ય દવાઓના ભાવ પણ નક્કી કરાયા હોવા છતાં તેનું પણ પાલન થયું નથી. 9 જુલાઈ, 2020ના પરિપત્રમાં તો એવું પણ જણાવાયું છે કે, દર્દીના ટેસ્ટ અને દવાના ખર્ચમાં વિસંગતતા જોવા મળશે તો ડેઝિગ્નેટેડ આસીસ્ટન્ટ પ્રોફેસરોની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવશે. જોકે, અત્યાર સુધીમાં કેટલા બિલોની ચકાસણી થઈ તે એક સવાલ છે.

હોસ્પિટલોમાં કઈ-કઈ ગેરરીતિઓ થઈ? – ડીપોઝિટની રકમ એડવાન્સ લેવાનો નિયમ એક પણ પરિપત્રમાં ન હોવા છતાં 75 હજારથી 1.50 લાખ રૂપિયા કે તેથી વધુ રકમ ડિપોઝીટ પેટે લેવામાં આવી.* મ્યુનિ.ના કોટાના બેડમાં ખાનગી દર્દી દાખલ કરીને બિલ વસૂલવામાં આવ્યા * ટેસ્ટિંગ અને સારવારના બિલો નક્કી કરાયેલા ચાર્જિસથી વધારેના બનાવાયા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો