રાજકોટ : હવે 18 મે પછી ફરીથી મિની લોકડાઉન આવશે તો અમે અમારી દુકાન ખોલી વેપાર શરૂ કરી દઇશું

વેપારીઓ હવે આ મિની લોકડાઉનથી અકડાયા છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-05-2021

રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ અત્યંત ગંભીર હતું તે વખતે વેપારીઓ સામેથી લોકડાઉનની માંગણી કરતા હતા. તે જ વેપારીઓ હવે આ મિની લોકડાઉનથી અકડાયા છે. સરકારે 18 મી મે સુધી લોકડાઉન લંબાવ્યું છે તેમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી શહેરના ગુંદાવાડી ઓલ મરચન્ટ એસોસિયેશને આપી છે. સાથે સાથે એમ પણ જાહેર કર્યું છે કે હવે આ લોકડાઉનની મુદત લંબાવાશે તો તેમાં હવે સહયોગ આપી શકશે નહીં અને 19મી મે થી તમામ વેપારીઓ દુકાન ખોલી નાંખશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે.

મહત્વનું છે કે અત્યારે પણ જે રીતે લોકડાઉન (lockdown)થયું છે તેમાં જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની દુકાનો ખુલ્લી છે પરંતુ શહેરમાં હજુ અલગ અલગ વિસ્તારોમાં ભીડ જોવા મળી રહી છે. આવી રીતે ગુંદાવાડી બજારમાં મોટાભાગની દુકાનો બંધ છે પરંતુ ત્યાં પણ લોકોની ભીડ ઉમટી રહી છે. અમુક દુકાનો જે જીવન જરૂરિયાતની છે તે ખુલ્લી છે તેમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. જેને કારણે વેપારીઓ નારાજ છે અને તેઓ પણ કહી રહ્યા છે કે સરકારની નીતિ એકને ગોળ અને એકને ખોળ જેવી છે.

મહત્વનું છે કે અગાઉ અલગ-અલગ એસોસિએશન એકઠા થઈને કલેક્ટર પાસે રજૂઆત કરવા આવ્યા હતા અને તેમાં એ જણાવ્યું હતું કે આંશિક લોકડાઉન વેપારીઓને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે. ભાડાની દુકાનો અને માણસોના પગાર ચૂકવવા પડી રહ્યા છે જેને કારણે નાના વેપારીઓને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સરકાર સંપૂર્ણ લોકડાઉન કરે અથવા તમામ વેપાર ધંધાને છૂટ આપે એવી પણ અલગ અલગ એસોસિએશન દ્વારા કલેકટરને રજૂઆત પણ કરવામાં આવી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો