કોરોનાને રોકી શકાયો હોત, ખરાબ નિર્ણયોએ લીધો 33 લાખ લોકોનો જીવઃ પેનલ

એક સ્વતંત્ર વૈશ્વિક પેનલના રિપોર્ટમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની પણ ઝાટકણી કાઢવામાં આવી છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-05-2021

જીનેવા, સ્વિટ્ઝર્લેન્ડઃ હાલમાં વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે પરંતુ ઈન્ડિપેન્ડન્ટ ગ્લોબલ પેનલે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે કોરોના રોગચાળાને રોકી શકાયો હોત પરંતુ ખરાબ કોઓર્ડિનેશન અને નિર્ણયોના કારણે તેના ભયાનક પરિણામો ભોગવવા પડી રહ્યા છે. ધ ઈન્ડિપેન્ડન્ટ પેનલ ફોર પેનડેમિક પ્રીપેરડનેસ એન્ડ રિસ્પોન્સે (IPPPR) કહ્યું છે કે એક પછી એક ખરાબ નિર્ણયોના કારણે કોવિડ-19ને વિશ્વભરમાં કુલ 33 લાખથી વધુ લોકોનો જીવ લીધો છે અને વૈશ્વિક અર્થ વ્યવસ્થાને બરબાદ કરી દીધી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પહેલા જ કોરોનાને લઈને એલર્ટ કરી શકતું હતું. સંસ્થાઓ લોકોની સુરક્ષામાં નિષ્ફળ રહી અને વિજ્ઞાનને નકારી કાઢનારા નેતાઓએ સ્વાસ્થ્યમાં હસ્તક્ષેપમાં લોકોના વિશ્વાસને તોડી નાંખ્યો.

પેનલે કહ્યું છે કે વુહાનમાં ડિસેમ્બર 2019ની શરૂઆતમાં કોરોનાના પ્રકોપની શરૂઆતની પ્રતિક્રિયામાં વિલંબ હતો. તેની અવગણનાના કારણે ફેબ્રુઆરી 2020નો મહિનો સૌથી મોંઘો સાબિત થયો કેમ કે ઘણા દેશો તેના સંકેતને સમજવામાં નિષ્ફળ રહ્યા હતા.

વર્તમાન રોગચાળાનો સામનો કરવા માટે સૌથી ધનિક દેશોથી સૌથી ગરીબ દેશોને એક અબજ વેક્સીનના ડોઝ દાન કરવાનું આહ્વાહન કરવામાં આવ્યું છે. પેનલે પોતાના રિપોર્ટમાં વિશ્વના સૌથી ધનિક રાષ્ટ્રોથી આગામી રોગચાળાની તૈયારી માટે સમર્પિત નવા સંગઠનોને આર્થિક મદદ પૂરી પાડવાની વાત પણ કહી છે.

નોંધનીય છે કે આ રિપોર્ટની વિનંતી ડબલ્યુએચઓના સભ્યોએ ગત વર્ષે મેમાં કરી હતી. આ પેનલની સંયુક્ત આગેવાની ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ વડાપ્રધાન હેલન ક્લાર્ક અને લાઈબેરિયાના ભૂતપૂર્વ રાષ્ટ્ર પ્રમુખ અને 2011ના નોબલ વિજેતા એલન જ્હોનસન સરલીફે કરી હતી.

સરલીફે પત્રકારોને જણાવ્યું હતું કે, આજે આપણે જે સ્થિતિમાં છીએ તેને રોકવામાં આવી શકાતી હતી. આ નિષ્ફળતાઓ, તેની તૈયારી અને પ્રતિક્રિયામાં વિલંબનું પરિણામ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ-19ની ઝડપને ઓછી કરવા માટે કેટલીક પ્રારંભિક અને ઝડપી કાર્યવાહી પણ કરવામાં આવી પરંતુ તેમાં વિલંબ, સંકોચ અને ઈનકાર પણ હતો.

રોગચાળાના જોખમની અવગણના કરવામાં આવી હતી અને લગભગ તમામ દેશ તેનો સામનો કરવા માટે તૈયાર ન હતા. પેનલે ડબલ્યુએચઓ પર નિશાન સાધતા કહ્યું છે કે સંગઠન 22 જાન્યુઆરી 2020ની સ્થિતિને જોતા પબ્લિક હેલ્થ ઈમર્જન્સી ઓફ ઈન્ટરનેશનલ કોન્સર્ન જાહેર કરી શકતું હતું. તેના બદલે તેણે વધુ આઠ દિવસની રાહ જોઈ હતી.

ડબલ્યુએચઓ દ્વારા ગત વર્ષે માર્ચમાં આને રોગચાળો જાહેર કર્યો હતો. પેનલે કહ્યું છે કે ચીન તરફથી ચોક્કસથી વિલંબ થયો પરંતુ પ્રત્યેક મામલામાં વિલંબ થયો છે. રિપોર્ટમાં વર્તમાનમાં આ રોગચાળાનો સામનો કરવા માટે પણ ઘણા ઉપાયોનો ઉલ્લેખ કર્યો છે જેમાં સૌથી મોટો ઉપાય ઝડપથી રસીકરણને ગણાવ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો