ચાઈનીઝ ઓક્સિમીટરના ખોટા રીડિંગથી લોકો ગભરાયા, કોરોના ટેસ્ટ માટે દોડે છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-05-2021

કોરોના વાયરસની આ મહામારીમાં ઓક્સિમીટરની માગ વધી છે ત્યારે બજારમાં તેની અછત સર્જાઈ છે અને કિંમતમાં પણ ઉછાળો આવ્યો છે. કારણકે આ ડિવાઈસની મદદથી દર્દીની નસ અને બ્લડમાં ઓક્સિજન લેવલ કેટલું હોય છે તે વિશે જાણી શકાય છે. પલ્સ ઓક્સિમીટરના ડિજિટલ ડિસ્પ્લેમાં તેના રીડિંગ જોઈ શકાય છે. ત્યારે બજારમાં મળતા ચાઈનીઝ પલ્સ ઓક્સિમીટર જ્યારે ઓક્સિજન લેવલ ઓછું બતાવે છે ત્યારે લોકો ગભરાઈ જાય છે. ઓક્સિજન લેવલ ઓછું હોવાનું જાણવા મળતા જ કેટલાંક લોકો પોતે કોરોના પોઝિટિવ હોવાનું સમજીને હોસ્પિટલમાં બેડ શોધવા લાગે છે.

હાલ એવી સ્થિતિ છે કે સસ્તા ઓક્સિમીટરના કારણે લોકો દોડતા થઈ ગયા છે. કારણકે, સ્ટાન્ડર્ડ કંપનીઓના ઓક્સિમીટર શરીરમાં ઓક્સિજનની કેટલી માત્રા છે તેની યોગ્ય માહિતી આપે છે પરંતુ, કેટલાંક સસ્તાં ચાઇનીઝ ઓક્સિમીટર ઓક્જિનની માત્રાની સાચી માહિતી નહીં આપતાં તેના ભરોસે બેઠેલા લોકો પરેશાન થઈ રહ્યાં છે. આપણા દેશમાં ઓક્સિમીટરની બહારથી આયાત થાય છે. ભારતમાં હજુ સુધી ઓક્સિમીટરનું ઉત્પાદન નહીં થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.

કોરોનાની આ બીજી લહેરમાં ઓક્સિમીટરની માગમાં ભારે વધારો થયો છે. ત્યારે આ કપરા સમયનો ફાયદો ઉઠાવતા કેટલાંક મેડિકલ સ્ટોર, ઓક્સિમીટરની અછત હોવાની વાત કરતા વધારે કિંમતે ઓક્સિમીટરનું વેચાણ કરી રહ્યા છે. જે ઓક્સિમીટર પહેલા 500થી 800 રૂપિયે મળતા હતા તે આજે 2000 રૂપિયામાં વેચાઈ રહ્યા છે.

એક સ્થાનિક ન્યૂઝ રિપોર્ટ મુજબ, ચાઈનીઝ ઓક્સિમીટરથી એવી સ્થિતિ ઊભી થઇ છે કે કોઈ વ્યક્તિનું ઓક્સિજન લેવલ 90થી ઉપર હોય તો પણ તેમાં ચેક કરતા 85કે તેનાથી ઓછું બતાવે છે. જેના કારણે લોકો ગભરાઈ જાય છે. કેટલાંક લોકો તો કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા દોડે છે જ્યારે કેટલાંક લોકો 108ને ફોન કરે છે.

આવામાં ડૉક્ટર પાસે અન્ય ઓક્સિમીટર પર ઓક્સીજન લેવલ ચેક કરી ડબલ ચેક કરવું જરૂરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો