ગુજરાતી ભાષામાં પ્રીમિયમ ઓટીટી પ્લેટફોર્મ “ઓહો” લોંચ, વિશ્વભરના દર્શકો ગુણવત્તાયુક્ત કન્ટેન્ટનો આનંદ લઇ શકશે

ગુજરાતી ભાષાનું પ્રથમ ઓટીટી પ્લેટફોર્મ ઓહો ઉપર દર્શકો કન્ટેન્ટની વિશાળ શ્રેણી એક્સેસ પ્રાપ્ત કરશે: વિશ્વભરમાં કોઇપણ જગ્યાએ રહેતાં લોકો એપ ડાઉનલોડ કરી શકશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-05-2021

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

લાંબા સમયથી રાહ જોવાતા પ્રીમિયમ ગુજરાતી કન્ટેન્ટ સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ ઓહોને સત્તાવાર રીતે લોંચ કરવામાં આવ્યું છે. તેની સાથે હવે વિશ્વના કોઇપણ ખૂણે વસતા અને ગુજરાતી ભાષામાં મનોરંજન માણવા ઇચ્છતા વ્યક્તિઓ ઓહો ઓટીટી એપને ડાઉનલોડ કરીને ફિક્શન, નોન-ફિક્શન, મ્યુઝિક, વેબ સીરિઝ, લિટ્રેચર, જૂની અને નવી ફિલ્મો જેવી ગુણવત્તાયુક્ત કન્ટેન્ટની વિશાળ શ્રેણી એક્સેસ કરી શકશે. ઓહો ઓટીટી પ્લેટફોર્મ સર્વપ્રથમ ગુજરાતી કન્ટેન્ટ સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ છે, જે ગુજરાતી ભાષાની વાર્તાઓ, કલાકારોની સર્જનાત્મકતા, આપણી સંસ્કૃતિ, વારસા, સંગીત સહિતની અન્ય ઘણી સમૃદ્ધ કન્ટેન્ટને વિશ્વભરના દર્શકો સુધી લઇ જવામાં મહત્વપૂર્ણ માધ્યમ બન્યું છે.

આ અંગે પ્રતિક્રિયાં આપતાં ઓહોના સંસ્થાપક અને જાણીતા ફિલ્મમેકર અભિષેક જૈને જણાવ્યું હતું કે, આજે ઓહો ઓટીટી પ્લેટફોર્મ સત્તાવાર ધોરણે લોંચ કરતાં હું અને અમારી સમગ્ર ટીમ ગર્વ અને ખુશી અનુભવીએ છીએ. વિશ્વભરમાં રહેતાં ગુજરાતી દર્શકો સમક્ષ રચનાત્મક  કન્ટેન્ટની વિશાળ શ્રેણી રજૂ કરવા માટે અમારી ટીમ છેલ્લાં કેટલાંક મહિનાઓથી સખત કામ કરી રહી હતી અને આજે પ્લેટફોર્મનું લોંચ દર્શકોની ગુણવત્તાયુક્ત કન્ટેન્ટની અપેક્ષાઓને પૂર્ણ કરવાની દિશામાં પ્રથમ પગલું છે.

હિન્દી અને અંગ્રેજી ભાષાને બાદ કરતાં ભારતમાં પ્રાદેશિક ભાષાઓમાં પ્રીમિયમ કન્ટેન્ટ ઓફર કરતાં પ્લેટફોર્મ્સ ખૂબ જ ઓછાં છે ત્યારે મને વિશ્વાસ છે કે ઓહો એક નવી રાહ ચિંધશે અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને નવી ઉંચાઇએ લઇ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પ્રતિભાશાળી કલાકારો, લેખકો, સંગીતકાર અને સર્જકોનો વિશાળ સમૂહ છે. ઓહો પ્લેટફોર્મ દ્વારા અમે તેમની રચનાત્મકતા અને કલાને માત્ર ગુજરાત અને ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરના દર્શકો સમક્ષ રજૂ કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. મને આશા છે કે આગામી સમયમાં આ પ્લેટફોર્મ નિયમિત ધોરણે ક્વોલિટી કન્ટેન્ટના ઉમેરા સાથે દર્શકોને પોતાની સાથે જકડી રાખવા માટે સક્ષમ રહેશે. ઉલ્લેખનીય છે કે કોઇપણ એપ સ્ટોર ઉપરથી ઓહોની એપ ડાઉનલોડ કરીને ગુજરાતી ભાષામાં કન્ટેન્ટની વિશાળ શ્રેણી માણી શકાશે.