વૈજ્ઞાનિકોએ શોધી કોરોના ટેસ્ટની નવી રીત, મધમાખી કોરોના વાયરસને ઓળખી બતાવશે!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-05-2021

કોરોનાની બીજી લહેર (Coronavirus second wave)માં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે. આ જ કારણે કોરોનાની તપાસ પર મોટું દબાણ ઊભું થયું છે. અનેક શહેરોમાં RT-PCR ટેસ્ટ માટે લોકોએ ત્રણથી પાંચ દિવસની રાહ જોવી પડી રહી છે. હાલ કોરોનાની તપાસ માટે આ જ ટેસ્ટને અધિકૃત કરવામાં આવ્યો છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ ટેસ્ટ માટે નવી જ રીત શોધી કાઢી છે. આ રીતમાં ટેસ્ટ માટે મધમાખીઓ (Honeybees )નો ઉપયોગ થશે.

અલગ જ રીતે થશે ટેસ્ટ: વૉશિંગટન પોસ્ટના એક રિપોર્ટ પ્રમાણે તેમણે મધમાખીઓને એવી તાલિમ આપી છે જેના કારણે તેઓ વાયસરની ખાસ ગંધ સામે આવવાની સાથે જ પોતાની જીભ બહાર કાઢશે. આ એક રીતે રેપિટ ટેસ્ટની જેમ કામ કરશે. પરંપરાગત લેબ ટેસ્ટથી આ જરા અલગ જ પ્રકારનો ટેસ્ટ છે.

ઓછી આવક ધરાવતા દેશો માટે ફાયદાકારક: વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મધમાખીઓને કોરોના વાયરસને શોધી કાઢવા માટે તાલિમ આપવાથી ઓછી આવકવાળા દેશોને ખૂબ ફાયદો થશે. જેમની પાસે પૉલીમરાઈઝ ચેન રિએક્શન ટેસ્ટ જેવી જરૂરી સામગ્રી ઉપલબ્ધ નથી તેમના માટે આ ખૂબ ઉપયોગી છે. વેગનિનઝેન યુનિવર્સિટીના પ્રોફેસર અને શોધની આગેવાની કરી રહેલા વિમ વેનડર પોએલનું કહેવું છે કે, ટેસ્ટ માટેની સામગ્રી બધા પાસે અને ખાસ કરીને ગરીબ દેશો પાસે ઉપલબ્ધ નથી પણ દરેક જગ્યાએ મધમાખીઓ હોય છે. આ માટે જરૂરી ઉપકરણ પણ બહુ જટિલ નથી.

તાલિમ કેવી રીતે આપી?: વૈજ્ઞાનિકોએ આશરે 150 મધમાખીઓને પૉવલોવિયન કન્ડિશનિંગ પદ્ધતિથી તાલિમ આપી હતી. તેમને દર વખતે કોરોના વાયરસની ગંધનો સામનો કરવા પર ખાંડનું પાણી આપવામાં આવ્યું હતું, જ્યારે વાયરસ વગરના નમૂના વખતે તેમને કંઈ આપવામાં આવ્યું ન હતું. આના કારણે તેમને દર વખતે કોરોના વાયરસની ગંધનો અનુભવ થયા બાદ જીભ બહાર કાઢવાની આદત પડી ગઈ હતી. બાદમાં ગંધ મળ્યા બાદ ખાંડનું પાણી ન મળવા પર પણ તેઓ જીભ બહાર કાઢવા લાગી હતી.

95 ટકા સફળતાની સંભાવના: સંશોધકોનું કહેવું છે કે થોડા જ કલાકોમાં મધમાખીઓને કોરોના વાયરસની અમુક જ સેકન્ડ્સમાં ઓળખ કરવા માટે તાલિમ આપવામાં આવી હતી. પોએલનું કહેવું છે કે અમને વિશ્વાસ છે કે આ ટેસ્ટ 95% સુધી સફળ રહેશે. આ શોધના નમૂના હાલ પ્રકાશિત નથી કરવામાં આવ્યા. એટલું જ નહીં તેને પિયર રિવ્યૂ માટે પણ નથી આપવામાં આવ્યા.

વિચાર કેવી રીતે આવ્યો?: વૈજ્ઞાનિકો પહેલા એવું બતાવવા માંગતા હતા કે મધમાખીઓને પણ તાલિમ આપી શકાય છે. જેમાં સફળ રહ્યા બાદ તેઓ આ પદ્ધતિની સંવેદનશીલતાની ગણતરી કરી રહ્યા હતા. આ પદ્ધતિનો વિચાર ઇન્સેક્ટસેન્સ નામના ડચ કીટ ટેક્નિક સ્ટાર્ટઅપ પાસેથી આવ્યો હતો જેમાં મધમાખીઓનો ઉપયોગ કાચી ધાતુ અને લેન્ડ માઇન અંગે માહિતી મેળવવા માટે કરવામાં આવતો હતો. સ્ટાફને લાગ્યું કે આનો ઉપયોગ કોરોના વાયરસ અંગે જાણકારી મેળવવા માટે પણ થઈ શકે છે, જે બાદમાં તેમણે આ મામલે યુનિવર્સિટીનો સંપર્ક કર્યો હતો.

વૈજ્ઞાનિકોએ મિન્ક (નોળિયા વર્ગનું એક પ્રાણી) અને મનુષ્ય બંનેના નમૂનાનો મધમાખીએ પર પ્રયોગ કર્યો હતો. બંનેમાં સમાન પરિણામ મળ્યું હતું. ઇન્સેક્ટસેન્સનું કહેવું છે કે તેઓ એક એવા મશીન ઉપર કામ કરી રહ્યા છે જે મધમાખીઓે એક સાથે તાલિમ આપી શકે. સાથે જ તેઓ એક એવી બાયોચીપ બનાવી રહ્યા છે જેનાથી મધમાખીઓની કોશિકાઓમાંથી જીન્સનો ઉપયોગ કરીને વાયરસની ઓળખ કરી શકશે. જેનાથી જીવો પરની નિર્ભરતા પણ ખતમ થઈ જશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો