ખાદ્ય તેલના ભાવ ગત વર્ષ કરતા દોઢા થઇ ગયા: તેલનો “ખેલ” ખેલનારાઓને સરકાર કંટ્રોલ કરશે?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-05-2021

કોરોના કહેરમાં કણસતી પ્રજાને ધગધગતો ડામ દેવા સટોડિયાઓ-તેલિયારાજાઓ સહિત સ્થાપિતહિતોની ટોળકીએ ખાદ્યતેલના ભાવ ગત વર્ષ કરતા દોઢાથી ડબલ કરી દેતા જનાક્રોશ ભભૂકી ઊઠે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

કોરોનાકાળમાં છેલ્લા સવા વર્ષથી ધંધો-રોજગાર ઠપ થઇ ગયો છે. બીજી બાજુ બેકારીની નાગચૂડે મધ્યમ વર્ગની કમર તોડી નાખી છે. ભયંકર મંદીના માહોલ વચ્ચે તેલનો ખેલ ખેલાઇ રહ્યો હોઇ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સૂત્રો જણાવ્યા મુજબ ગત વર્ષે સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ રૂ.2250થી 2350 હતો. જે આ વર્ષે રૂ.2750ની આજુ બાજુ રમે છે. આ પ્રમાણે કપાસિયા તેલનો ભાવ રૂ.1250થી1300 હતો. જે આ વર્ષે રૂ.2450થી2550 થયો છે. મકાઇ તેલનો ભાવ રૂ.1850થી વધીને રૂ.2550, સન ફ્લાવર રૂ.1700થી 2750, પામોલિન તેલનો ભાવ રૂ. 900થી1000 હતો જે આ વર્ષે રૂ.2150 થયો છે. સરસવ તેલનો ભાવ રૂ.1400થી રૂ.2400 તેમજ તલના તેલનો ભાવ રૂપિયા 2500થી 2600 હતો જે આ વર્ષે રૂપિયા 3500થી 3600ને આંબી રહ્યો છે. તેલિયા રાજાઓ દર વર્ષે યેનકેન પ્રકારે સિઝનમાં તેલનો ખેલ ખેલી નિર્દોષ પ્રજાને પરેશાન કરતા હોવાની વાત ટોક ઓફ ધી ટાઉન બની છે. પામોલિન, સોયાબિન તેમજ સન ફ્લાવર તેલ વેપારીઓ-દલાલો મલેશિયા-ઇન્ડોનેશિયા, સોયાબિન તેલ અમેરિકા-બ્રાઝિલ તેમજ સન ફ્લાવર તેલ યુક્રેન-રશિયા સહિતના વિવિધ દેશોમાંથી આયાત કરે છે. સ્થાપિતહિતોની ટોળકી એવો બચાવ કરે છે કે

ઇમ્પોર્ટ ડયુટી 35 ટકા જેટલી હોઇ ઇમ્પોર્ટેડ તેલનો ભાવ સ્થાનિક માર્કેટમાં વધવા પામ્યો છે.પેટ્રોલ-ડિઝલના ભાવની જેમ ખાધ્યતેલના ભાવની રોજ-બરોજ વધઘટનો ખેલ પણ ખેલાતો રહે છે.

એક જમાનો હતો જયારે માત્ર તલના તેલનો જ મહિમા હતો. ત્યારબાદ સિંગતેલનો જમાનો આવ્યો હતો. છેલ્લા દાયકાઓ દરમિયાન હેલ્થ કોન્સિયસનેસ વધતા કપાસિયા તેલ, સન ફ્લાવર, પામોલિન, મકાઇ સહિત સોયાબિનના તેલનો વપરાશ પણ અતિશય વધી ગયો છે. હાલમાં અથાણાની સિઝનમાં સિંગતેલનો ઉપાડ વધ્યો છે. પરંતુ વર્ષ દરમિયાન કપાસિયા તેલનો વપરાશ ગત વર્ષોની તુલનામાં ખુબ વધ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસ દરમિયાન કપાસિયા તેલનો ભાવ રૂ.60 વધ્યો છે.

કેટલીક મિલના સંચાલકો, વેપારીઓ, દલાલો તેમજ સ્થાપિતહિતોની ટોળકીએ વિપુલ પ્રમાણમાં સિંગદાણા ચાઇનાને નિકાસ કરી દેતા આપણા દેશમાં સિંગદાણાની અછત સર્જાતા સિંગતેલના ભાવ વધવા પામ્યા છે. અલબત્ત્મ, સ્થાપિતહિતોની ટોળકી એવું ગાણું ગાય છે કે રો-મટિરિયલ્સ, મજુરી, ઉત્પાદનના ઇતરખર્ચા, માવઠું સહિતના કુદરતી કારણોસર તેલનું ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો