ગુજરાતઃ મોટે ઉપાડે જાહેરાત પરંતુ પૂરતા સ્ટોકના અભાવે રસીકરણને લઈને અસમંજસ

રાજ્યમાં વેક્સીન ફોર ઓલની શરુઆત તો કરી દેવામાં આવી છે જોકે સ્થિતિ એવી છે કે જેમણે પહેલો ડોઝ લીધો છે તેમને આ અણઘડ વહિવટના પગલે સમયસર બીજો ડોઝ નથી મળી રહ્યો.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-05-2021

રાજ્યમાં 18 વર્ષથી ઉપરના દરેકને કોરોના રસી આપવામાં આવશે તેવી જાહેરાત પરંતુ પૂરતી તૈયારી અને સ્ટોક ન હોવાથી મોટાભાગના લાકોને નિરાશ થવાનો જ વારો આવી રહ્યો છે. કારણ કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પૂરતી માત્રામાં રસીનો સ્ટોક નથી પહોંચી રહ્યો જેના કારણે રસી મેળવવા માટેના સ્લોટ તાત્કાલિક ભરાઈ જાય છે અને મોટાભાગના સમયે ખાલી નથી હોતા.

જોકે આ અણઘડ વહિવટના કારણે સૌથી વધુ કફોડી હાલત એવા લોકોની થઈ છે જેમણે રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે અને રસીની અસરકારકતા જાળવવા માટે બીજો ડોઝ નિયત સમયમાં લેવાનો હોય તેમ છતા તેમને સ્લોટ નથી મળી રહ્યા. ઉચ્ચ સરકારી સૂત્રોએ જણાવ્યું કે પૂરતી રસી ન હોવાના કારણે રાજ્યમાં રસીકરણના અભિયાનને ધીમું પાડવાની સરકારને ફરજ પડી રહી છે.

તો બીજી તરફ અમદાવાદમાં ખોખરા અર્બન હેલ્થ સેન્ટરના અધિકારીઓનો એક ઓડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ એવું કહેતા સાંભળવામાં આવ્યા હતા કે હાલ ફ્રન્ટલાઈન વર્કરને હવે તેમની રસીનો પહેલો ડોઝ આપવો નહીં. જોકે આ દરમિયાન અમદાવાદમાં આશરે 217 રસીકરણ કેન્દ્રો પર 34400 જેટલા ડોઝનો ઉપયોગ થયો હતો. રસી બહાર પડી ત્યારથી અંદાજીત દરરોજ 14000 જેટલા લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

આ તરફ સુરતમાં બુધવારે રસીકરણ માટેના 66 કેન્દ્રો પર ખૂબ જ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનું માનીએ તો 66 સેન્ટર પર 6521 લોકોને રસી આપવામાં આવી હતી. ગુજરાતના અમદાવાદ સુરત તેવા મોટા શહેરો સાથે લગભગ તમામ જગ્યાએ રસીકરણને લઈને સ્થિતિ એક સમાન જ છે. મોટાભાગના શહેરોમાં રસીનો પૂરતો સ્ટોક ન હોવાથી લોકોને ધરમ ધક્કા થાય છે.

જોકે ગુજરાત સરકારે તાજેતરમાં જ રસીનો નવો સ્ટોક મેળવ્યો છે અને તેમણે જુદા જુદા રસીકરણ કેન્દ્રો પર તે મોકલી આપ્યો છે જોકે આ સ્ટોક પણ આગામી 2-3 દિવસ ચાલે તેટલો ઓછો છે. તેવામાં રાજ્ય સરકારના અધિકારીઓ એવો દાવો કરી રહ્યા છે કે 45થી વધુ વયના લોકોને રસી આપવામાં કુલ 49 જેટલા રસીકરણ સેશન્સ પ્લાન કરવામાં આવ્યા છે. જ્યારે જે લોકો 18થી 44 વર્ષની વયની વચ્ચેના છે તેમને Cowin એપ દ્વારા રજીસ્ટ્રેશન કરીને રસી મેળવી શકશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો