કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની જવાબદારી અમારી નથી: ચૂંટણીપંચ

પાંચ રાજયોની ચૂંટણી સમયે માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ વચ્ચે યોજાયેલી સભાઓ મુદે પંચનો બચાવ: અમે સરકાર નથી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-05-2021

દેશમાં હાલમાં યોજાયેલી ચૂંટણીમાં કોરોના સંક્રમણ વચ્ચે જે માર્ગરેખા જાહેર કરાઈ હતી તેમાં રાજકીય નેતાઓ દ્વારા નિયમોનો ભંગ કરીને હજારો લોકોની હાજરીવાળી ચૂંટણીસભાઓ યોજાઈ તથા માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કર્યો તે અંગે હાઈકોર્ટમાં ચૂંટણીપંચની જે આકરી ટીકા થઈ અને તેને જવાબદાર ઠેરવાયુ તેની સામે સુપ્રીમમાં થયેલી રીટમાં ચૂંટણીપંચે ખુદ સરકાર નહી હોવાનું અને તેનું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું નથી તેવું જણાવીને જવાબદારીમાંથી બચવા પ્રયત્ન કર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણીપંચના અધિકારીઓ સામે હત્યાના આરોપ મુકાવા જોઈએ તેવી આકરી ટીપ્પણી થઈ છે જે રદ કરવા ચૂંટણીપંચે કરેલી વિનંતી જો કે માન્ય રખાઈ નથી પરંતુ પંચે પોતાના બચાવમાં કહ્યું કે અમે રાજય સરકાર ચલાવતા નથી. જો કોરોના પ્રોટોકોલનો ભંગ થતો હોય તો તેના માટે રાજયની ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી જવાબદાર હોઈ શકે છે. ચૂંટણીપંચને કોવિડ મેનેજમેન્ટ માટે જવાબદાર ગણાવી શકાય નહી. જો કે સુપ્રીમ કોર્ટે બાદમાં ચૂંટણીપંચને શાંત પાડતા કહ્યું કે કોઈ તમને જવાબદાર ઠેરવતુ નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો