(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-05-2021
મહાનગરમાં કોરોના સંક્રમણ વધવા સાથે જ મહાપાલિકા અને પોલીસે શરૂ કરેલા કડક પગલાની અસર દેખાઇ રહી છે. પરંતુ કેટલાક ધંધાર્થીથી માંડી રીક્ષા ચાલકો જવાબદાર બનતા જ ન હોય, આવા બેદરકાર લોકોનો તમાશો કરવાનું પણ તંત્ર એ શરૂ કરી દીધુ છે!
રાજકોટના જુદા જુદા વિસ્તારમાં મહાપાલિકાના અધિકારીઓ પોલીસ ટીમ સાથે નિયમિત ચેકીંગ કરે છે. માસ્ક વગર માલ વેચતા વેપારીઓને દંડ કરવા, દુકાન સીલ કરવા સહિતના કડક પગલા લેવામાં આવે છે. ભીડના મુખ્ય કેન્દ્ર જેવા ચા, પાન, ખાણીપીણીના ધંધા પોલીસે બંધ કરાવી દીધા છે. આમ છતાં માસ્ક પહેરવામાં નહીં સમજતા કેટલાક લોકોને ડે.મ્યુનિ. કમિશ્નર એ.આર.સિંહ અને અધિકારીઓએ ઉઠક બેઠક કરાવી હતી.
નાયબ કમિશનરે કહ્યું હતું કે અમુક વેપારી દંડ ભરીને પહોંચ લઇ લે છે પરંતુ બાદમાં ફરી માસ્કના નિયમ તોડે છે. ઘણા રીક્ષા ચાલકો પણ આવા જ બેદરકાર જોવા મળે છે. આથી દંડ કરવા સાથે તેમને રોડ ઉપર ઉભા રાખીને આવી સજા આપવાનું પણ શરૂ કરાયું છે. તેનાથી અન્ય ધંધાર્થીઓ અને રીક્ષા ચાલકોને આકરા સંદેશા મળે છે. આ કારણે જ છેલ્લા સપ્તાહમાં રીક્ષા ચાલકોનો એક મોટો વર્ગ માસ્ક પહેરતો થઇ ગયો છે તે ઉલ્લેખનીય છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો