સુપ્રીમ કોર્ટ પણ કહે છે લોકડાઉન નાખો, યુદ્ધ સ્તરે તૈયારી કરો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-05-2021

છેલ્લા 24 કલાકમાં દેશમાં સાડા ત્રણ લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આ આંકડો આશરે 50 દેશોમાં એક દિવસમાં મળેલા કેસો કરતા વધારે છે. બીજી લહેરમાં ઝડપી ફેલાઈ રહેલા સંક્રમણની ચેનને તોડવા માટે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોએ દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની માંગ કરી છે. આ સભ્યોમાં એઈમ્સ અને ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)નો સમાવેશ થાય છે. આ મુદ્દે કેન્દ્ર સરકાર આજે નિર્ણય લઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને સભ્યો એક અઠવાડિયાથી આ માંગણીઓ કરી રહ્યા છે. આઈસીએમઆરએ અપીલ કરી છે કે કોરોનાની બીજી લહેરની પીક આવવાની બાકી છે. સંસ્થા કહે છે કે આવી પરિસ્થિતિમાં સંક્રમણની ચેનને તોડવા માટે બે અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન આવશ્યક છે.

આઈસીએમઆર અને એઈમ્સના અભિપ્રાય અંગે કેન્દ્રએ કોઈ નિર્ણય લીધો નથી. સૂત્રોએ જણાવ્યું છે કે 3 મે પછી કેન્દ્ર તેના પર નિર્ણય લઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો સંપૂર્ણ લોકડાઉન નહીં થાય તો આંશિક લોકડાઉનની સરકાર જાહેરાત કરી શકે છે.

અશોકા યુનિવર્સિટીના ત્રિવેદી સ્કૂલ ઓફ બાયોસાયન્સિસના ડિરેક્ટર અને વાઇરોલોજિસ્ટ ડો.શાહિદ જમીલે જણાવ્યું હતું કે મે મહીનાના બીજા અઠવાડિયામાં કોરોનાની બીજી લહેરની પીક આવી શકે છે. હમણાં આપણે કહી શકતા નથી કે કેટલા કેસ સામે આવશે. આ આંકડો દરરોજ 5-6 લાખ કેસનો પણ હોઈ શકે છે. ખરેખર, આ આંકડો કોવિડ બાબતે રાખવામા આવતી સાવધાની અને તેના વ્યવહાર પર આધાર રાખે છે.

ડો.જમીલ માને છે કે જો લોકો કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરશે, તો કદાચ મે મહીનાના અંતમાં આપણે બીજી લહેરથી બહાર આવી શકીએ છીએ, પરંતુ જો લોકો આ રીતે જ નિયમોનું ઉલ્લંઘન કરતા રહ્યા તો આ લહેર વધુ લાંબી પણ ચાલી શકે છે.

રાજ્યોનો લોકડાઉન લાદવાનો નિર્ણય: દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઓડિશામાં સંપૂર્ણ લોકડાઉન છે. મીની લોકડાઉન મહારાષ્ટ્ર અને પંજાબમાં લાગુ કરવામાં આવ્યું છે. યુપીમાં વિકેન્ડ લોડાઉન કરવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશમાં પણ 7 મે સુધી જનતા કર્ફ્યૂ લદાયો છે.

કેન્દ્ર સરકાર રાજ્યો પર નિર્ણય ઢોળે છે: દેશમાં કોરોના વકરી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર રાષ્ટ્રવ્યાપી લોકડાઉનનું પગલું ભરશે કે નહીં તે એક પ્રશ્ન છે. પરંતુ સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારનો રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેર કરવાનો કોઈ ઈરાદો નથી. જો કે રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ટ્રાન્સમિશનની ચેઈનને તોડવા માટે અને કોવિડ-19ના વધતા વ્યાપને નિયંત્રણમાં લાવવા માટે કડક પગલાં લે. કોરોનાના કેસમાં દરરોજ થતા સતત વધારા તેમજ હોસ્પિટલોની સ્થિતિ જોઈને ઘણાં રાજયોએ સખત નિયંત્રણો મૂકયા છે. લગભગ 10 રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ઓછા-વત્તા પ્રમાણમાં નિયંત્રણો મૂકયા છે. આરોગ્ય વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે કે, 15 ટકાથી વધારે કોરોના પોઝિટિવ રેટ હોય તેવા ઓછામાં ઓછા 150 જિલ્લાઓમાં લોકડાઉન જાહેર કરવામાં આવે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ કોરોના ટાસ્કફોર્સના લોકોને ચિંતા છે કે કુંભ મેળામાંથી પાછા ફરેલા લોકો સુપર-સ્પ્રેડર બની શકે છે.

લોકડાઉનમાં નબળા વર્ગની જરૂરિયાત પૂરી કરવા યુદ્ધ સ્તરે તૈયારી કરો: દેશમાં વધતા સંક્રમણનો ઉલ્લેખ કરતા સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર અને રાજ્ય સરકારોને વર્તમાન લહેર કાબુમાં રાખવાની યોજના બનાવવાનું પણ સૂચન કર્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લોકડાઉનની સામાજિક-આર્થિક અસરોની નબળા વર્ગ પર શું અસર થશે, તેનાથી અમે વાકેફ છીએ. આમ છતાં, લોકડાઉન કરવું પડે, તો આ વર્ગની તમામ જરૂરિયાતો પૂરી કરવા

યુદ્ધ સ્તરે તૈયારી કરો. સુપ્રીમ કોર્ટ પણ કહે છે, લોકડાઉન નાખો: દેશમાં કોરોના વાઈરસના સંક્રમણની બીજી લહેર કાબુમાં કરવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને લોકડાઉન અંગે વિચાર કરવાનું સૂચન કર્યું છે. દેશની હોસ્પિટલોમાં બેડ, આઈસીયુ, ઓક્સિજન, જરૂરી દવાઓ વગેરેની અછત મુદ્દે સુપ્રીમ કોર્ટે સુઓમોટો કરીને સુનાવણી શરૂ કરી છે. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કોરોના સંક્રમણ કાબુમાં રાખવા કેન્દ્ર અને રાજ્ય સરકારોને લોકડાઉનનો વિચાર કરવાની પણ ભલામણ કરી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો કે, હાલની સ્થિતિમાં રાજ્ય સરકારોએ ઓક્સિજન પહોંચાડવા આગામી ચાર દિવસમાં રોજેરોજનો ઈમર્જન્સી સ્ટોક તૈયાર કરવો. આ સાથે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે, કોરોના દર્દીઓ પાસે રહેણાકનો પુરાવો ના હોય, તો પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સરકારો તેમને ભરતી કરવાની કે જરૂરી દવા આપવાની ના નહીં પાડે. આ મુદ્દે કેન્દ્ર આગામી બે સપ્તાહમાં હોસ્પિટલમાં દર્દીને ભરતી કરવાની રાષ્ટ્રીય નીતિ બનાવે, જેનો તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોએ અમલ કરવાનો રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો