જન્મ-મરણના દાખલા ‘રૂબરૂ’ નહીં મળે : સરકારની નવી વ્યવસ્થાથી હોબાળાનો ભય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-05-2021

ટેકસ ઓનલાઇન અને હાથોહાથ લેવાય તો પ્રમાણપત્રો કેમ બંને રસ્તે આપી ન શકાય? : જેની પાસે સ્માર્ટ ફોન, જ્ઞાન નથી તેનું શું? અગાઉ મનપા બંને વિકલ્પો આપતી જ હતી…

રાજય સરકાર દ્વારા જન્મ-મરણના દાખલાની પુરી પ્રક્રિયા કોર્પોરેશનના બદલે પોતાના પોર્ટલ પર લેવાયા બાદ ઉભા થયેલા કેટલાક પ્રશ્ર્નોમાં આજે ગંભીર વણાંક આવ્યો છે. સરકારની સુચનાથી રાજકોટના લોકોને જન્મ-મરણના પ્રમાણપત્રો ઓનલાઇન આપવાની મહાપાલિકાએ શરૂઆત કરવા સાથે સિવિક સેન્ટરમાં રૂબરૂ ચાર્જ લઇને પણ દાખલા આપવાનું બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જેના સામાન્ય નાગરિકોમાં પડઘા પડે તેમ છે.

હાલ કોરોના કાળમાં ભીડમાં ન આવવા માંગતા સ્માર્ટ નાગરિકો માટે આ સુવિધા બનવાની છે. પરંતુ જેઓ ઓનલાઇન સેવાનો ઉપયોગ કરી શકતા નથી તેમનું શું તે પ્રશ્ન આજે ગાજીને બહાર આવી ગયો છે. રાજય સરકારના વેબપોર્ટલમાં તા.1 ઓકટોબર,2020 આજ સુધીના તમામ પ્રમાણપત્રો અપલોડ કરાયા છે. ત્રણ દિવસ પહેલા રાજય સરકારે કોર્પો.માં જન્મ-મરણના પ્રમાણપત્રો આપવાની કામગીરી બંધ કરાવી હતી. ઓનલાઇન વ્યવસ્થા ગોઠવવામાં આવી રહ્યાનું જણાવાયું હતું.

હવે આજથી ઓનલાઇન સુવિધા તો શરૂ થઇ છે, પરંતુ ઓફલાઇન દાખલા હવે નહીં મળે તેવો નિર્ણય કરાયો છે. મનપાની જન્મ-મરણની નોંધણી અને પ્રમાણપત્રની કામગીરી થોડા સમય પહેલા રાજય સરકારના પોર્ટલ પર લઇ લેવામાં આવતા ઘણા પ્રશ્ર્નો ઉભા થયા હતા. આ અગાઉ તો કોર્પોરેશન ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારે દાખલા આપતું જ હતું. પરંતુ સરકારે વ્યવસ્થા સંભાળ્યા બાદ ઓનલાઇન વ્યવસ્થા બંધ થઇ હતી.

ગત અઠવાડિયે સરકારે ઓનલાઇન સુવિધાની જાહેરાત કરી હતી. જે વ્યવસ્થા અગાઉ કોર્પોરેશન શરૂ કરીને બંધ કરી ચુકયુ છે. ઓનલાઇન પ્લાન મંજૂરીમાં પણ રાજકોટ કોર્પોરેશન આગળ હતું. તે બાદ સરકારે આ બાંધકામ પરવાનગી પ્રક્રિયા ઓનલાઇન મુકી હતી. આમ બે સુવિધામાં એડવાન્સ મનપાને રાજય સરકારે એક એક કદમ પાછળ લીધી હતી!જે લોકો સ્માર્ટ ફોન ઉપયોગ કરતા નથી, ઓનલાઇન સેવાનું જ્ઞાન નથી કે જેઓને રૂબરૂ (ફિઝીકલ) દાખલા જોઇએ છે તેઓને સગવડતા સાથે અગવડતા ફ્રી મળી છે.

મહાપાલિકા પ્રજા પાસેથી મિલ્કત વેરો સ્વીકારવા માટે ઓનલાઇન સુવિધા આપે છે અને વોર્ડથી માંડી ઝોન કચેરી સુધી કરદાતાને વધાવીને ટેકસ સ્વીકારે છે અને પહોંચ આપે છે તો દાખલા રૂબરૂ આપવાનો વિકલ્પ ચાલુ રહેવો જોઇએ તેવો મત છે. સ્માર્ટ નાગરિકો તો તમામ ઓનલાઇન સુવિધાનો ઉપયોગ કરવાના છે પરંતુ જેઓને ફિઝીકલ પ્રમાણપત્રો જોઇએ છે તેમને સુવિધા નહીં મળે તો એક મોટો વર્ગ હેરાન થશે. મનપાના પદાધિકારીઓ પાસે પણ આ રસ્તે લાગણીઓ પહોંચવા લાગી છે. સ્માર્ટ સુવિધાઓ આવકાર્ય છે. પરંતુ કોઇ નાનામાં નાનો વ્યકિત હેરાન ન થાય તે પણ પદાધિકારીઓએ જોવું પડશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો