100 દિવસ કોવિડ ડ્યૂટી કરનારાને સરકારી નોકરીમાં પ્રાથમિકતા મળશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-05-2021

કોરોના-19ને હરાવવા માટે પૂરતા મેડિકલ સ્ટાફની વધતી જરૂરિયાતોને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં ઘણા મહત્વના નિર્ણય લેવાયા. તે અંતર્ગત કોવિડ મેનેજમેન્ટમાં કામ કરનારા સ્ટૂડન્ટ્સ કે પ્રોફેશનલ્સને 100 દિવસનો અનુભવ થયા બાદ સરકારી નોકરીઓમાં પ્રાથમિકતા આપવામાં આવશે. 100 દિવસના અનુભવ બાદ એ બધા આરોગ્યકર્મીઓને ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કોવિડ રાષ્ટ્રીય સેવા સન્માન આપવામાં આવશે.

વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરાયેલા એક સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, વડાપ્રધાન મોદીએ કોવિડ-19 સામે લડવા માટે આરોગ્યકર્મીઓની ઉપલબ્ધતા વધારવા સંબંધી મહત્વના નિર્ણયોને આજે અંતિમ રૂપ આપ્યું. NEET PGની પરીક્ષાને આગામી ચાર મહિના સુધી સ્થગિત કરવાની સાથે જ મેડિકલ ટ્રેઈનીઝને મહામારી મેનેજમેન્ટ કાર્યો માટે તૈનાત કરવાનો નિર્ણય લેવાયો.

એમબીબીએસના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનો કોવિડ-19ના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની દેખરેખ અને ટેલી-મેડિસીનમાં ઉપયોગ કરી શકાય છે, જ્યારે મેડિકલ ટ્રેઈની પોતાની ફેકલ્ટીના હાથ નીચે આવા કેસોમાં સારવાર કરી શકશે.

સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, તેનાથી કોવિડ-19 દર્દીઓની સારવારમાં કાર્યરત ડોક્ટરોનો ભાર ઓછો થશે. એટલું જ નહીં, બીએસસી નર્સિંગ કે જીએનએમ પાસ નર્સોનો સીનિયર ડોક્ટરો અને નર્સોના હાથ નીચે કોવિડ-19 દર્દીઓની સેવામાં પૂર્ણ સમય ઉપયોગ કરી શકાશે.

મેડિકલ સ્ટૂડન્ટ્સ અને પ્રોફેશનલ્સને કોવિડ સંબંધી કામકાજમાં તૈનાત કરતા પહેલા તેમનું વેક્સિનેશન કરાશે. સાથે જ તેમને આરોગ્યકર્મીઓ માટે મળતી સરકારી વિમા યોજનાનો લાભ પણ અપાશે. સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, NEET પોસ્ટગ્રેજ્યુએટની પરીક્ષા ઓછામાં ઓછી ચાર મહિના માટે સ્થગિત કરવામાં આવી રહી છે અને આ પરીક્ષા 31 ઓગસ્ટ પહેલા લેવામાં નહીં આવે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો