ડોક્ટરો-નર્સોની અછત તરત દૂર કરી શકાય છે, સરકારે ફ્કત આટલું જ કરેઃ ડૉ. શેટ્ટી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-04-2021

જાણીતા સર્જન ડો. દેવી પ્રસાદ શેટ્ટીએ જણાવ્યું છે કે ભારતને કેટલાક સપ્તાહ માટે એકસ્ટ્રા પાંચ લાખ આઇસીયુ બેડ, બે લાખ નર્સ અને દોઢ લાખ જેટલા ડોક્ટરોની જરૂરિયાત રહેશે અને આ પડકાર સ્વિકારવો કઠીન થઇ જાય તેવો છે.

અત્યારે આખા દેશમાં 75000 થી 90000 જેટલા આઇસીયુ બેડ છે જે હાઉસફુલ છે. કોરોના સંક્રમણનો બીજો તબક્કો વધારે ફેલાયેલો છે ત્યારે દેશમાં હજી વધુ મેડીકલ સુવિધાઓની જરૂર છે. દેશમાં પ્રતિદિન સાડા ત્રણ લાખથી વધુ દર્દીઓ કોરોના પોઝિટીવ આવી રહ્યાં છે ત્યારે દર્દીઓ માટે હજી વધુ હોસ્પિટલ ઉપરાંત મેડીકલ સુવિધાઓની જરૂર છે. નિષ્ણાંતો કહે છે કે પ્રતિદિન કેસનો આંકડો હજી વધવા સંભવ છે.

કેટલાક રાજ્યોમાં એવી હાલત છે કે જ્યાં આઇસીયુ બેડ છે પરંતુ દર્દીની સંભાળ રાખનાર ડોક્ટર અને નર્સ મળતાં નથી, કારણ કે તેઓ ખુદ સંક્રમિત થઇ રહ્યાં છે. વિશ્વના દેશોની સરખામણીએ ભારતમાં ડોક્ટરો અને પેરા મેડીકલ સ્ટાફની પણ કાયમી અછત છે.

નારાયણા હેલ્થના ચેરમેન અને ફાઉન્ડર ડો. શેટ્ટીએ કહ્યું હતું કે તેમની પાસે દેશમાં 21 મેડીકલ સેન્ટરોની ચેઇન છે. તેમણે ધ્યાન દોર્યું છે કે પ્રત્યેક કોરોના દર્દી પાંચ થી દસ લોકોને સંક્રમિત કરે છે પરંતુ તે બઘાં કોરોના ટેસ્ટ કરાવતા હોતા નથી. કોરોના પોઝિટીવ થયેલા તમામ દર્દીઓ માટે હોસ્પિટલ કે આઇસીયુ બેડની આવશ્યકતા હોતી નથી પરંતુ પાંચ ટકા એવા દર્દીઓ હોય છે કે જેમને આઇસીયુ બેડની જરૂર હોય છે તેમ છતાં દેશનું આરોગ્ય તંત્ર બઘાં દર્દીઓને દાખલ કરવાની સ્થિતિમાં નથી.

તેમણે કહ્યું કે જ્યારે મહામારી શરૂ થઇ હતી ત્યારે દેશમાં 78 ટકા મેડીકલ સ્પેશ્યાલિટીઝની અછત વર્તાતી હતી જેમાં ડોક્ટર, નર્સ અને પેરા મેડીકલ સ્ટાફનો સમાવેશ થાય છે. હવે થોડાં સમય માટે બે લાખ નર્સ અને દોઢ લાખ ડોક્ટરોની જરૂર છે. આ સંખ્યા ઓછામાં ઓછા એક વર્ષ માટે કોવિડનું સંચાલન કરી શકે છે.

ડો. શેટ્ટીએ કહ્યું હતું કે હાલ ભારતમાં 2.20 લાખ નર્સિંગ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ છે જેમણે વિવિધ નર્સિંગ સ્કૂલોમાં અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે અને હાલ તેઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે. જો કેન્દ્રનો આરોગ્ય વિભાગ અને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ઇચ્છે તો આ નર્સિંગ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને કોવિડ આઇસીયુ વોર્ડમાં કામ કરવા માટે તૈયાર કરી શકે છે.

બીજી તરફ દેશમાં 1.30 લાખ યુવા ડોક્ટરો છે જેઓ કોવિડ આઇસીયુ કે મહામારીના સમયમાં કામ કરી રહ્યાં નથી, કારણ કે તેઓ પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની નીટ એક્ઝામની તૈયારીમાં લાગેલા છે, જો કે પોસ્ટ ગ્રેજ્યુએશનની બેઠકોની સંખ્યા 35000 છે. જો આ તમામ બેઠકો ભરવામાં આવે તો પણ એક લાખ ડોક્ટર સ્ટુડન્ટ્સ બાકી રહેશે જેમને એક વર્ષ સુધી કોવિડ આઇસીયુમાં ફરજ પર બોલાવી શકાય તેમ છે. આશ્ચર્ય એ બાબતનું છે કે બીજા 25000 જેટલા એવા ડોક્ટરો છે કે જેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે પરંતુ પરીક્ષા બાકી છે. આ ડોક્ટરોને પણ ફરજમાં બોલાવી શકાય છે.

ભારત બહાર એટલે કે વિદેશમાં અભ્યાસ માટે ગયેલા બીજા એક લાખ જેટલા ડોક્ટર છે. આ વિદ્યાર્થીઓ વિદેશની યુનિવર્સિટીમાંથી સ્થાનક થયેલા છે પરંતુ રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા પાસ કરી શક્યા નથી. તેમનો ઉપયોગ કોવિડની સારવાર માટે કરવો જોઇએ. જો આપણે કેટલાક સપ્તાહ સુધી આ વ્યવસ્થા નહીં કરી શકીએ તો પરિસ્થિતિ હજી વધારે ગંભીર બનવાનો ભય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો