દર્દીના જોખમે ખાટલા ખાલી કરાવવાનું કૌભાંડ!

ખાલી કરાવાતા ખાટલે રાજકારણીઓ, અધિકારીઓ અને અન્ય ઉચ્ચ લાગવગિયાઓનાં સગા-વ્હાલાંને ‘ઓનેઓન’ એડમિટ કરી સાચવી લેવાય છે, ઑક્સિજનની જરૂર હોય તેવા દર્દીઓને પણ “હવે તમે ઘરે સારવાર લઈ શકો છો, સાજા થઈ રહ્યા છો કહી વળાવી દેવાય છે

Upto 45% off on Handpicked Laptops and Desktops

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-04-2021

રાજકોટ: કોરોના વાયરસ કાળો કહેર મચાવી રહ્યો છે ત્યારે આવી સ્થિતીમાં પણ ખાટલા અને બાટલા મેળવવાનું મસમોટુ બુધ્ધિપૂર્વકનું કૌભાંડ હોસ્પિટલોમાં ચાલી રહ્યું છે. રાજકોટની હોસ્પિટલોમાં વગદાર લોકો અને નેતાઓના સગાઓને સારવાર માટે ગરીબ દર્દીઓને તેમના નસીબના ભરોસે છોડી દેવામાં આવતા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જો આવી જ રીતે ગરીબ દર્દીઓની સારવાર કરવામાં આવતી હોય તો આવા તંત્ર સામે ફીટકાર છે. ગરીબ દર્દીઓને મોતના મુખમાં ધકેલી વીવીઆઈપીઓની સારવાર કરવાનું પાપ જવાબદાર તંત્ર અને અધિકારીઓએ ભોગવવું પડશે તેવો આક્રોશ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

રાજકોટમાં કોરોનાની બીજી લહેરમાં શહેરની સરકારી સહિત તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ગરીબ લોકો તેના સ્વજનને બચાવવા માટે હોસ્પિટલોમાં કતારો લગાવી રહ્યા છે. છતાં કલાકો સુધી બેડ મળતા નથી. દર્દીઓને હોસ્પિટલે જવા માટે એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવે 10-10 કલાક સુધી એમ્બ્યુલન્સ પહોંચતી નથી. ઓક્સિજનના બાટલા માટે પણ દર્દીઓના પરિવારજનો રઝળપાટ કરી રહ્યા છે. કોરોનાની સારવાર માટે જરૂરી રેમડેસિવિર ઈન્જેકશન પણ મળી રહ્યા નથી. આવી પરિસ્થિતી વચ્ચે પણ તંત્ર ‘સબ સલામત’ના ગાણા ગાઈ રહ્યું છે.

કોરોનાની ગંભીર પરિસ્થિતી વચ્ચે પણ સરકારી તંત્ર દર્દીઓના જીવ સાથે ખેલ ખેલી રહ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વગદાર અને વીવીઆઈપી લોકો તેના સગાઓ માટે બેડ મેળવવા ભલામણોનો ધોધ વહાવતા હોસ્પિટલ તંત્ર દ્વારા કોરોનાના માઈલ્ડ લક્ષણો ધરાવતા દર્દીઓને ‘તમે સ્વસ્થ થઈ ગયા છો, હવે તમારે સારવારની જરૂર નથી, તમે ઘરે આરામ કરો’ જેવા જૂઠ્ઠા બહાના બતાવી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. કોરોના ધરાવતા દર્દીઓ તબીબોને ભગવાન સમજતા હોય છે ત્યારે આવા તબીબો દર્દીઓને તેમના નસીબના ભરોસે છોડી દેતા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. વગદાર અને રાજકીય આગેવાનોને ગરીબ દર્દીઓના ભોગે પોતાના સગાઓની સારવાર કરાવવામાં જરા પણ શરમ નહીં આવતી હોય તેવા સવાલો ઉઠી રહ્યા છે.

રાજકોટ શહેરની હોસ્પિટલોમાં ચાલતા આ ષડયંત્રનો સરકારી આંકડા ઉપરથી જ પર્દાફાશ થાય છે. આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ત્રણ દિવસ પહેલા રાજકોટની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 5017 દર્દીઓ સારવાર હેઠળ હતા. ત્રણ દિવસથી નવા કેસમાં ઘટાડો નોંધાતા અને સાજા થતાં દર્દીઓની સંખ્યા બૂધ્ધિપૂર્વક વધારી દેવાતા ગઈકાલે હોસ્પિટલોમાં 4275 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જણાવ્યું છે. આમ ત્રણ દિવસમાં 742 દર્દીઓનો ઘટાડો થયો છે. આટલા બેડ ખાલી હોવાનું સ્પષ્ટ થાય છ.ે પરંતુ, આટલા બેડ ખાલી હોય તો દર્દીઓને દાખલ કેમ કરવામાં નથી આવતા? હજુ પણ દર્દીઓ હોસ્પિટલની બહાર કતારોમાં કેમ ઉભા છે? તેવા અનેક સવાલો ઉભા થયા છે. શહેરની હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડના સરકારી આંકડા પ્રમાણે રવિવારે પાંચ હજારથી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. ત્યારે 120 બેડ ખાલી હતા. જ્યારે ગઈકાલે 4275 દર્દી સારવાર હેઠળ છે. પરંતુ ખાલી બેડની સંખ્યા માત્ર 178 જ છે. જો એક્ટીવ કેસની સંખ્યામાં ઘટાડો થાય છે તો ખાલી બેડ ક્યાં જાય છે? આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વગદાર અને રાજકીય ભલામણો થકી આવા બેડ બારોબાર ભરાઈ જતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.

હાઈકોર્ટના આદેશનો ‘સિવિલ’માં જ અનાદર કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની વિગતો ડિસપ્લે બોર્ડ પર અપડેટ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. રાજકોટની હોસ્પિટલો હાઈકોર્ટના નિયમોને ઘોળીને પી ગઈ હોય તેમ, એક પણ હોસ્પિટલે ઉપલબ્ધ બેડની માહિતી હોસ્પિટલની બહાર દર્શાવી નથી ખાનગી તો ઠીક સિવિલમાં પણ ઉપલબ્ધ બેડની માહિતી ન દર્શાવી હાઈકોર્ટના આદેશનો અનાદર કરાયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો