જામનગરમાં રિલાયન્સ 1000 બેડની હોસ્પિટલ બનાવશે: આસપાસના જિલ્લાઓને પણ મળશે લાભ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-04-2021

ગુજરાતમાં હાલમાં કોરોનાની સ્થિતિ વકરતાં બેડની અછત વર્તાઈ રહી છે. જે બાદથી રાજ્યના મુખ્યમંત્રી સીએમ રૂપાણી દ્વારા બિઝનેસમેનને વિનંતી કરીને હોસ્પિટલ નિર્માણ માટે અનુરોધ કરી રહ્યા છે. જેવામાં સુરતમાં આર્સેલર મિત્તલ દ્વારા હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. તેવામાં હવે જામનગરમાં પણ રિલાયન્સ દ્વારા 1000 બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે. CM રૂપાણીએ મુકેશ અંબાણી સાથે વાત કરીને હોસ્પિટલ બનાવવા માટે અનુરોધ કર્યો છે. અને 400 બેડની ક્ષમતાવાળી હોસ્પિટલ રવિવારે શરૂ થઈ જશે તેવી શક્યતા છે.

CM વિજય રૂપાણી દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે વાતચીત કરવામાં આવી હતી. અને જામનગરમાં 1000 બેડની હોસ્પિટલ બનાવવા માટે અનુરોધ કર્યો હતો. જે બાદ મુકેશ અંબાણી દ્વારા હોસ્પિટલ બનાવવાની ખાતરી આપવામાં આવી હતી. જેમાં 400 બેડની હોસ્પિટલ રવિવાર સુધીમાં જ કાર્યરત કરી દેવામાં આવશે. જ્યારે અન્ય 600 બેડની હોસ્પિટલ થોડા દિવસોમાં તૈયાર કરી દેવામાં આવશે.

આ માટે રાજ્ય સરકારે પણ તમામ માનવબળ પૂરુ પાડવાનું વચન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સુરતમાં હજીરા ખાતે આર્સેલર મિત્તલ દ્વારા પોતાના પ્લાન્ટમાં હંગામી ધોરણે કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. અને જામનગરમાં રિલાયન્સની આ હોસ્પિટલનો લાભ જામનગર ઉપરાંત પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિતનાં આસપાસના જિલ્લાઓ માટે આશીર્વાદ સમાન બની રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો