મોરબીમાં 5 મી મે સુધી મીની કોરોના લોકડાઉન લાગુ!! ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા માર્યા!?

આવશ્યક વસ્તુ સિવાય તમામ વ્યાપાર બંધ: જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-04-2021

મોરબી જિલ્લા કલેકટર દ્વારા આજે બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ તા. ૨૮મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી તા. ૦૫મી મે-૨૦૨૧ બુધવાર સુધી મીની કોરોના લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે રાત્રી કરફ્યુ પણ યથાવત રાખવામાં આવ્યો છે આ મીની કોરોના લોકડાઉનમાં ચા – પાનના લારી ગલ્લા સહિત ભીડ એકત્રિત થતી હોય તેવા ખાણી – પીણીના ધંધા બંધ રાખવા આદેશ કરાયો છે જો કે, શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

નવા નિયંત્રણ મુજબ મોરબી શહેરમાં અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.

મોરબી શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર પાર્સલ સેવાઓ ચાલુ રાખી શકાશે. શહેરમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.

જિલ્લામાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે. ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ ૫૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં ૨૦ વ્યક્તિઓ હાજર રહી શકશે. લોકો અવર જવર રાત્રીના 8 સુધી કરી શકશે. આવશ્યક વસ્તુ કે સેવાઓ સિવાય તમામ વ્યાપારિક એકમો બંધ રાખવા આદેશ કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જયારે કોરોનાની બીજી લહેર ખુબ ઝડપથી ફેલાઈ રહી હતી ત્યારે તાબડતોબ આવા મીની લોકડાઉનની તાતી જરૂર હતી લોકો માંગ પણ કરી રહ્યા હતા. છતાં પણ તંત્ર કોઈપણ ભોગે લોકડાઉન ન લાગવું પડે તેની રાહ જોવામાં અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા જયારે અનેક માનવ જિંદગીના પ્રાણ જતા રહ્યાં પછી તંત્રની આંખ ઉઘડી હોય તેમ હવે મીની લોકડાઉન તરફ પગલાં લીધા પરંતુ લોકોમાં ચર્ચાતા મુજબ વહેલું મીની લોકડાઉન જાહેર કરી દીધું હોત તો સંક્રમની સાંકળ તોડવામાં ઘણું કારગર સાબિત થાત હવે મોટા ભાગના લોકોને કોરોના થઇ ગયો પછી તબેલે તાળા મારવા જેવો હાલ છે. તેમ છતાં આ પગલાંને લોકો આવકારી રહ્યા છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો