ગુજરાતમાં લોકડાઉનના પાક્કા એંધાણ?

મોટા પ્રમાણમાં SRPજવાનો બોલાવાયા: અમદાવાદમાં ખડકલા: રાજ્ય સરકાર ભેદી રીતે તૈયારીમાં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.27-04-2021

ગુજરાત રાજ્ય ફરીવાર કોરોના હોટસ્પોટ બન્યું છે. અમદાવાદ, રાજકોટમાં જેટગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં સતત ચોથા દિવસે 5 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 5,679 નવા કેસ સામે આવ્યા છે અને 1,827 દર્દી સાજા થયા છે. જ્યારે શહેરમાં 26 અને જિલ્લામાં એકના 27ના મોત સાથે મૃત્યુઆંક 2,818 થયો છે. ત્યારે બીજી બાજુ અમદાવાદમાં મોટા પ્રમાણમાં એસઆરપી જવાનો ઉતારવામાં આવ્યા છે. જેમને જુદી જુદી મ્યુનિસિપલ સ્કૂલોમાં રાખવામાં આવશે. હાલના સમયમાં સરકારનું આ પગલું લોકડાઉન આપવા તરફ ઇશારો કરે છે. રાજ્ય સરકાર અત્યાર સુધી ‘અજીબ’ રીતે લોકડાઉન નહીં લાદવાના પ્રયાસો કરતી રહી પરંતુ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગઈકાલે રાત્રે લોકડાઉન સંદર્ભે બહાર પાડેલી નવી ગાઈડલાઈન્સ પ્રમાણેની સ્થિતી બંધબેસતી હોઈ, રાજ્ય સરકાર ભેદી રીતે લોકડાઉનની તૈયારીમાં હોય તેવા સંકેત મળી રહ્યા છે.

નોંધનિય છે કે ગઈકાલે રાત્રે કેન્દ્રએ રાજ્યોને કોરોના કેસની સંખ્યાને ઓછી કરવા માટે અને નિયંત્રણમાં લેવા માટે લોકડાઉન અને કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. નિયમોનુસાર આ એવા નિયંત્રણોનો સમય છે, જ્યારે પોઝિટિવિટી રેટ એક અઠવાડિયા માટે 10 ટકા અથવા તેથી વધુ હોય છે અને હોસ્પિટલોમાં 60 ટકાથી વધુ પથારી પર દર્દીઓ દાખલ થયેલા છે. રાજ્યોને ગૃહ મંત્રાલય દ્વારા નિર્ધારિત માપદંડના આધારે જિલ્લાઓ, શહેરો અને પ્રદેશો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવા માટે તાકીદ કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે ક્યાં અથવા કયારે લોકડાઉન કરવું અથવા મોટું કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવું, આ બધું પુરાવાને આધારે અને તેનું વિશ્લેષણ પ્રભાવિત વસ્તી, ભૌગોલિક વિસ્તાર, હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કર્મચારીઓની સંખ્યા અને સીમાઓના આધારે કરવામાં આવે છે.

રાજ્યોને લોકડાઉન લાદવા માટે હેતુપૂર્ણ, પારદર્શક અને મહામારીને લઈને નિર્ણય લેવા માટે એક વ્યાપક ફ્રેમવર્ક બનાવવામાં આવ્યું છે. જો પોઝિટીવીટી રેટ એક અઠવાડિયા સુધીમાં 10 ટકા અથવા તેથી વધુ હોય, એટલે કે, 10 સેમ્પલમાંથી એક પોઝિટિવ છે, અને જો 60 ટકાથી વધુ પથારી પર ઓક્સિજન સપોર્ટ વાળા કોવિડ દર્દીઓ ભરતી છે.

ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક સંસ્થાઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના નિયમોને આધીન હોઈ શકે છે. રેપિડ એન્ટીજેન ટેસ્ટ દ્વારા સમયાંતરે તેનું પરીક્ષણ કરવામાં આવશે.

કેન્દ્રનું કહેવું છે કે સ્થાનિક પરિસ્થિતિ, આવરી લેવાયેલા ક્ષેત્રો અને ટ્રાન્સમિશનની સંભાવનાના કાળજીપૂર્વક વિશ્લેષણ પછી રાજ્યોએ તેમના પોતાના નિર્ણય લેવા જોઈએ. રાજ્યોને કોવિડ – ડેઝિગ્નેટેડ હોસ્પિટલો માટે પ્રભારી વરિષ્ઠ જિલ્લા અધિકારીઓની નિમણૂક કરવા અને દર્દીઓના સરળ પરિવહન માટેની એક વ્યવસ્થા બનાવવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો