કોરોના કાળમાં રેલીઓને મંજૂરી પર મદ્રાસ હાઇકોર્ટ કોર્ટે કહ્યું, EC અધિકારીઓ સામે હત્યાનો કેસ દાખલ થવો જોઈએ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-04-2021

હાઇકોર્ટે ચૂંટણી પંચને આદેશ કર્યો કે, મતગણતરીના દિવસે પ્રોટોકૉલ લાગૂ કરવાની યોજના 30મી એપ્રિલ સુધી કોર્ટ સમક્ષ રજૂ કરો. મદ્રાસ હાઈકોર્ટે (Madras High Court) ચૂંટણી પંચ (Election commission)નો કોરોના કાળની બીજી લહેરમાં બહાર આવવા દરમિયાન રાજકીય પક્ષોને ચૂંટણી રેલીઓ (Election rallies)નું આયોજન કરવાની મંજૂરી આપવા બદલ ઉધડો લીધો છે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ બેનરજીએ સુનાવણી દરમિયાન કહ્યુ કે, “ચૂંટણી પંચના અધિકારીઓ સામે હત્યાના આરોપનો કેસ દાખલ કરવો જોઈએ.”

કોર્ટ બાબતોની વેબસાઇટ લૉના જણાવ્યા પ્રમાણે મુખ્ય ન્યાયાધીશ સંજીવ બેનરજીએ ભારતના ચૂંટણી પંચને કહ્યું કે, “તમારી સંસ્થા કોરોનાની બીજી લહેર માટે જવાબદાર છે.” મદ્રાસ હાઇકોર્ટે ચેતવણી આપી કે, જો બીજી મેના રોજ ચૂંટણી પંચ કોરોના પ્રોટૉકોલનું પાલન કરવા માટે યોગ્ય યોજના નહીં ઘડે તો તાત્કાલિક અસરથી મતગણતરી પર રોક લગાવી દેવામાં આવશે.

હાઇકોર્ટે કહ્યું, કોઈ જીવતું રહેશે તો…

હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે ચૂંટણી પંચને કહ્યું કે, “લોકોનું સ્વાસ્થ્ય અગત્યનું છે. પરંતુ અહીં તો ચિંતાની વાત એ છે કે બંધારણીય અધિકારીઓને આવી વાત યાદ અપાવવી પડે છે. જ્યારે કોઈ વ્યક્તિ જીવતો રહેશે ત્યારે તે પોતાના લોકતાંત્રિક અધિકારોની લાભ ઊઠાવી શકશે.”

મુખ્ય ન્યાયાધીશે કહ્યુ કે, “સ્થિતિ હવે અસ્તિત્વ અને સુરક્ષાની છે. તેના પછી બધુ આવે છે.” સુનાવણી દરમિયાન સ્વાસ્થ્ય સચિવ સાથે ચર્ચા વિચારણા બાદ હાઇકોર્ટે ચૂંટણી પંચને આદેશ કર્યો કે, મતગણતરીના દિવસે પ્રોટોકૉલ લાગૂ કરવાની યોજના 30મી એપ્રિલ સુધી કોર્ટ સમક્ષ રજૂ કરો. મુખ્ય ન્યાયાધીશે ચૂંટણી પંચને પૂછ્યું કે, “શું ચૂંટણી રેલીઓનું આયોજન થઈ રહ્યું હતું ત્યારે તમે કોઈ બીજા ગ્રહ પર હતા?”

દેશમાં 24 કલાકમાં એક્ટિવ કેસમાં 1.31 લાખનો વધારો

દેશમાં કોરોના વાયરસે (Coronavirus) હાહાકાર મચાવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (health ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશ (Coronavirus India)માં છેલ્લા 24 કલાકમાં 3.53 લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં 2.19 લાખ લોકો સાજા થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,812 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં એક જ દિવસમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં 1.31 લાખનો વધારો થયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો