બોન્ડેડ ડોક્ટરો હાજર નહીં થાય તો એપેડેમિક એક્ટ હેઠળ થશે કાર્યવાહી

કોવિડની સ્થિતિમાં 1242 બોન્ડેડ ડોક્ટરને આજે ફરજિયાત હાજર થવા સરકારનો હુકમ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-04-2021

ગુજરાતમાં કોવિડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં પણ તબક્કાવાર વધારો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં વધારાના માનવબળની આવશ્યકતા ઉભી થઈ છે. તેના માટે સરકાર તરફથી જાહેરાતો કરવા છતાં મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફ મળતો નથી. આ બાબતને ધ્યાનમાં લઈ રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજના 1242 બોન્ડેડ ઉમેદવારોને ફરજિયાતપણે તાત્કાલિક હાજર થવાનો આદેશ કર્યો છે.

આ આદેશ મુજબ રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના 513, રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના 136, રાજ્યની જીએમઈઆરએસ મેડિકલ કોલેજના 593 ઉમેદવારોને તબીબી અધિકારી વર્ગ -2 તરીકે અપાયેલી નિમણૂંકના સંદર્ભે હાજર થવા માટેનો હુકમ કરાયો છે.

રાજ્યના તબીબી શિક્ષણ અને સેવાઓના કમિશનર જયપ્રકાશ શિવહરેએ કરેલા હુકમ અનુસાર કોવીડ 19ના દર્દીઓની સારવાર માટે માનવબળની ઘટ વર્તાઈ રહી છે અને

તાકીદની પરિસ્થિતિમાં તબીબોની તીવ્ર જરુરીયાત છે, જે સંદર્ભે આ આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોવીડના કેસમાં અસાધારણ વધારો થતા કુશળ માનવબળની જરુરિયાત ઉભી થઈ છે ત્યારે રાજ્ય સરકારે તે માટે શ્રેણીબદ્ધ પગલાઓ લીધા છે. બોન્ડેડ તબીબો આજે સાંજ સુધીમાં તેમની નિમણુંકના સ્થળે હાજર ન થાય તો તમામ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને એપેડેમિક એક્ટની કલમ-3ની જોગવાઈ હેઠળ કાર્યવાહી હાથ ધરવા માટેની સૂચના આપવામાં આવી છે. મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ માટે સરકાર તરફથી ખાસ પગારધોરણ જાહેર કરવામાં આવ્યું હતું. આ પગારધોરણ હાલમાં હોસ્પિટલમાં ફરજ બજાવતાં મેડિકલ સ્ટાફ કરતાં વધુ હોવાના કારણે ઉહાપોહ-ગણગણાટ શરૂ થયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો