ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં મોડી રાત સુધીમાં ગાજવીજ સાથે વરસાદ, 40 કિ.મી.ની ગતિએ પવન ફૂંકાઈ શકે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-04-2021

રાજસ્થાન અને તેની આસપાસ સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયુ છે. જેની અસરોથી વાતાવરણમાં ઉપરના લેવલમાં ટ્રફનું પ્રમાણ વધવાની સાથે ગરમી પણ વધી છે, આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતનાં કેટલાંક ભાગોમાં સાંજના સમયે વરસાદી છાંટાથી લઇને ઝાપટા પડી શકે છે, તેમજ આગામી ચાર દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો વધવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં બપોર બાદ એકાએક સાઈક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થયું છે. આના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાયવ્યના તેજ પવનને કારણે વરસાદ પડી શકે છે. આગામી ત્રણ કલાક એટલે કે રાત્રે 12 વાગ્યા સુધી આ સિસ્ટમ એક્ટિવ રહી શકે છે. આ સ્થિતિમાં તેજ આંધી પણ આવી શકે છે. જો કે, આંધીની મહત્તમ ગતિ કલાકના 40 કિ.મી. સુધીની ગતિએ ફૂંકાનારા પવન સુધી મર્યાદિત રહી શકે છે માટે મોટા વાવાઝોડાનો કોઈ ખતરો નથી.

નાઉકાસ્ટની આગાહી અનુસાર આ સાઈક્લોનિક સર્ક્યુલેશનની પેટર્ન એક્ટિવ થશે તો અમદાવાદ ઉપરાંત બનાસકાંઠા અને પાટણ, મોરબીમાં પણ ભારે ઝાપટાં પડી શકે છે. વરસાદ પડવાથી હાલ તો ગરમીમાં રાહત મળી શકશે પરંતુ પછી બફારો વધી શકે છે. આ ઉપરાંત આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર ઉપરાંત કચ્છ જિલ્લામાં પણ વરસાદ જોવા મળી શકે છે.

આ અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી કે, થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી અને સાયક્લોનીક સર્ક્યુલેશનના કારણે કચ્છ અને જામનગરમાં વીજળીના ચમકારા અને વરસાદ સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જો કે, છેલ્લા કેટલાક દિવસથી થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે.

રાજસ્થાન અને તેની આસપાસ સાયક્લોનિક સરક્યુલેશનથી રાજ્યના મોટાભાગના શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેમજ ભુજ અને કંડલા એરપોર્ટને બાદ કરતાં રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 42.9 ડિગ્રી સાથે ભુજ સૌથી ગરમ શહેર બન્યું હતું. ત્યારબાદ 40.6 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ સૌથી ગરમ શહેર બન્યું હતું. આગામી બે દિવસો દરમિયાન રાજ્યમાં વાદળિયું વાતાવરણ રહેવાની સાથે રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની શક્યતા છે. જો કે, આગામી ચાર દિવસોમાં રાજ્યમાં ક્રમશ: ગરમીમાં વધારો થવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે.

બેથી ચાર દિવસમાં ગરમી પણ વધશે: સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજયમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમજ આગામી બે દિવસો રાજ્યમાં વાદળિયું વાતાવરણ રહેવાની સાથે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતનાં કેટલાંક ભાગોમાં સાંજના સમયે વરસાદી છાંટાથી લઇને ઝાપટા પડી શકે છે. પરંતુ, 28 એપ્રિલ સુધી મોટાભાગ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હોવાથી ગરમીમાં વધારો થશે. – અંકિત પટેલ, હવામાન વિશેષજ્ઞ

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો