કંપની મફતમાં ઓક્સિજન આપવા માટે તૈયાર પણ સરકાર મંજૂરી નથી આપતી!

વેદાન્તા ગ્રૂપને તમિળનાડુ સરકાર પર્યાવરણના રક્ષણની વાત કરી લબડાવતી હોવાથી સુપ્રીમે સરકારને તતડાવી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-04-2021

સ્ટરલાઇટ કોપર પ્લાન્ટમાં હજારો ટન ઑક્સિજનનું ઉત્પાદન થશે અને આ ઑક્સિજન દર્દીઓની સારવાર માટે મફતમાં આપવામાં આવશે એવી દલીલ કરીને વેદાન્તાએ તમિળનાડુના તુટીકોરિન ખાતેના સ્ટરલાઇટ કોપર એકમને ચાલુ કરવાની સુપ્રીમ કોર્ટ પાસે મંજૂરી માગી હતી. સુપ્રીમ કોર્ટે વેદાન્તાની અરજીની સુનાવણી કરવાની મંજૂરી આપતા કોરોનાના રોગચાળાને રાષ્ટ્રીય કટોકટી સમાન ગણાવ્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચ તમિળનાડુ સરકારના વાંધા સામે નાખુશ હતી, જેણે વેદાન્તની અરજી પર સોમવારે સુનાવણી કરવાની માગણી કરી હતી. અમે આ બધું જાણીએ છીએ. પ્લાન્ટ અને તેના ઑક્સિજન

ઉત્પાદનક્ષમતા દ્વારા પર્યાવરણના નિયમોનું પાલન કરવામાં આવે એ અમે સુનિશ્ર્ચિત કરીશું. આપણે ઑક્સિજન પ્લાન્ટની વાત કરીએ છીએ. રોગચાળાને કારણે રાષ્ટ્રીય કટોકટી જેવી સ્થિતિ છે અને સમસ્યાનું નિવારણ લાવવામાં તમે બાધા નહીં બનો. વેદાન્તાની અરજીની શુક્રવારે સુનાવણી કરવામાં આવશે, એમ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણી કરતા કોર્ટે જણાવ્યું હતું.

દેશમાં અત્યારે ઑક્સિજનની ભારે જરૂર છે. કેન્દ્ર સરકાર દરેક સ્રોતથી ઑક્સિજનનો પુરવઠો મેળવી રહી છે. વેદાન્તાને તેમનો પ્લાન્ટ ચાલુ કરવો છે. વેદાન્તાને સ્વાસ્થ્ય હેતુ માટે ઑક્સિજનનું ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવે, એમ જણાવતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઉમેર્યું હતું કે પર્યાવરણનું રક્ષણ અને માનવજીવનના રક્ષણની વચ્ચે પસંદગી કરવાની હોય તો આપણે માનવજીવનના રક્ષણની જ પસંદગી કરી શકાય.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો