રાજકોટ: ઑક્સિજન પ્લાન્ટ ઉપર નેતાઓનો કબજો: ‘પ્રાણવાયુ’ મેળવવા સામાન્ય લોકો લાચારી અનુભવી રહ્યા છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-04-2021

‘હમ જહાં ખડે હોતે હૈ લાઈન વહી સે શુરુ હોતી હૈ’ની જેમ મેટોડા અને શાપરના પ્લાન્ટ ઉપર સામાન્ય લોકોએ લાઈનમાં ઉભા રહેવાનું’ને નેતાઓની ગાડી આવે એટલે જથ્થાબંધ બાટલા રિફિલિંગ થઈ જતાં હોવાના વરવાં દ્રશ્યો જોઈ કકળી ઉઠતું લોકોનું હૃદય !: સામાન્ય લોકોને એક સિલિન્ડર રિફિલ કરાવવા માટે કલાકો સુધી કતારમાં ઉભું રહેવું પડે છે પણ રાજકીય નેતાઓ અને તેના કાર્યકરો એકાદ કલાકમાં મોટી સંખ્યામાં બાટલા રિફિલિંગ કરાવીને ચાલ્યા જાય છે !:‘મારા 10 ભરો, મારા 20 ભરો, મારા 30 ભરો’નો સાદ પડે એટલે પ્લાન્ટે બધું કામ પડતું મુકીને તે બાટલા રિફિલિંગ કરવા પડે છે: સામાજિક સંસ્થાઓ અને સેવાકીય પ્રવૃત્તિ કરતાં લોકાનેે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં પણ ઑક્સિજન મળતો નથી: પોતાના મતદારોને ‘સાચવવા’ માટે નેતાઓ અને તેના કાર્યકરોના પ્લાન્ટ ઉપર જ ડેરાતંબુ

રાજકોટમાં અત્યારે કોરોનાને કારણે બેડ, ઈન્જેક્શન, વેન્ટીલેટરની સાથે સાથે હવે દર્દીના હૃદયના ધબકારાને જીવંત રાખતાં ઑક્સિજનની ક્યારેય કલ્પી ન હોય તેવી કટોકટી ઉભી થઈ જતાં લોકો ‘પ્રાણવાયુ’ માટે રીતસરની હડિયાપટી કરી રહ્યા છે પરંતુ કોઈને પૂરતો ઑક્સિજન મળી રહ્યો નથી. આટલી ભયાનક પરિસ્થિતિમાં લોકોની પડખે ઉભા રહીને તેમને મદદરૂપ થવાની જગ્યાએ રાજકીય નેતાઓ હવે પોતપોતાના વિસ્તારને ‘કવર’ કરવાનો ‘ખેલ’ પાડવામાં વ્યસ્ત બની ગયા છે. ઑક્સિજનની તંગી શરૂ થઈ જતાં શહેરની ભાગોળે મેટોડા અને શાપરના પ્લાન્ટ ઉપર ગમે ત્યારે રાજકીય નેતાઓના કાર્યકરો આવી પહોંચે છે અને એકાદ કલાકમાં બાટલા રિફિલિંગ કરાવીને ચાલતી પકડી છે જે દ્રશ્યો જોઈને લોકોનું હૃદય કકળી રહ્યું છે કેમ કે તેમણે એક બાટલો રિફિલિંગ કરાવવા માટે કલાકો સુધી રાહ જોવી પડતી હોય છે પરંતુ રાજકીય નેતાઓ અને તેના કાર્યકરો કલાકમાં જ 10થી 20 બાટલા રિફિલિંગ કરાવીને ચાલ્યા જાય છે !

ફિલ્મ ‘કાલિયા’નો એક ડાયલોગ ‘હમ જહાં ખડે હોતે હૈ લાઈન વહીં સે શુરુ હોતી હૈ’ની માફક ગમે એટલી લાઈન હોય તેની પરવા કર્યા વગર ગમે ત્યારે નેતાઓ અને તેના કાર્યકરો પ્લાન્ટ ઉપર આવી પહોંચે છે અને લાઈનમાં ઉભા રહેવાની જગ્યાએ સીધા પ્લાન્ટ પર જઈને બાટલા રિફિલિંગ કરાવી લેતાં હોવાનું લોકો જણાવી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ આ કાર્યકરો અને નેતાઓ એકાદ-બે નહીં પરંતુ 10, 20, 30 જેટલી સંખ્યામાં બાટલાઓ રિફિલિંગ કરાવી લેતાં હોવાથી પ્લાન્ટ ઉપર તો જથ્થો ખૂટે જ ખૂટે છે સાથે સાથે કતારમાં ઉભેલા લોકોનો વારો જ આવતો નથી ! જો કોઈ વિરોધ કરે તો તેને શાંત કરી દેવાની ‘કળા’ પણ આ લોકો જાણતાં હોવાથી લોકો અવાજ ન ઉઠાવી શકવા મજબૂર હોય છે !

લાઈનમાં ઉભેલા લોકોએ પોતાની હૈયાવરાળ ઠાલવતાં કહ્યું હતું કે ઑક્સિજન મેળવવા માટે અમે સવારે 6 વાગ્યે પ્લાન્ટ ઉપર આવીને લાઈનમાં ઉભા રહી જતાં હોઈએ છીએ પરંતુ રાજકીય નેતાઓના અનેક કાર્યકરો ગમે ત્યારે આવી પહોંચે છે અને લાઈનમાં ઉભા રહેવાની જગ્યાએ વચ્ચેથી જ ‘મારા દસ ભરો, મારા વીસ ભરો, મારા ત્રીસ ભરો’ના બુમબરાડા પાડીને સિલીન્ડર રિફિલિંગ કરાવી લ્યે છે ! આ નેતાઓની ‘શાખ’ને કારણે ઑક્સિજન પ્લાન્ટના સંચાલકો પણ કશું કરી શકતાં નથી અને ત્યાં ઉપસ્થિત સરકારી કર્મીઓનો ‘અવાજ’ પણ નીકળી શકતો નથી. લાઈનમાં ઉભા રહ્યા વગર રિફિલિંગ કરાવી લેતાં રાજકીય નેતાઓના કાર્યકરો ઑક્સિજન સિલીન્ડરનો દર્દી માટે જ ઉપયોગ કરતાં હશે પરંતુ આ ઉપયોગ તેઓ પોતાના મતવિસ્તારના લોકો માટે જ કરતાં હોવાથી તે વ્યાજબી નથી કેમ કે જો નેતાઓના મતવિસ્તારના લોકો માણસ છે તો અમે પણ કોઈ જાનવર નથી, અમે પણ માણસ છીએ એટલે તેમણે અમારી પરિસ્થિતિ પણ સમજવી જ જોઈએ. સામાન્ય લોકો તો ઠીક પરંતુ શહેરમાં મોટાપાયે સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓને પણ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં ઑક્સિજન મળી રહ્યો ન હોવાને કારણે હવે તો તેઓ પણ હેલ્પલેસ બની ગયાનું અનુભવી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો