કોરોનાની સારવાર માટે બે નવી દવા ફેવીપિરાવીર અને આઈવરમેક્ટિનને પ્રોટોકોલમાં સામેલ કરાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-04-2021

કોરોનાની સારવારના પ્રોટોકોલમાં રાજ્ય સરકારે હવે બે નવી દવા ફેવીપિરાવીર અને આઈવરમેક્ટનને સામેલ કરી છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ માહિતી આપી હતી. સાથે જ તેમણે જણાવ્યું કે, રેમડેસિવિરની ઉપયોગી વિશે કોઈ પુરાવા મળ્યા નથી.

રાજ્યમાં કોરોના સંક્રમણ કાબુ બહાર થઈ ગયું છે, ત્યારે રાજ્યમાં બેડ અને ઓક્સિજન વધારવાની સાથે-સાથે રસીકરણ ઝડપથી થાય અને રેમડેસિવિર ઈન્જેક્શન ઝડફી મળતા થાય તે માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન રાજ્ય સરકારે કોરોનાની સારવાર માટેના પ્રોટોકોલમાં બે નવી દવા ફેવીપિરાવીર કે જેને સામાન્ય રીતે ફેબી ફ્લૂ તરીકે ઓળખાય છે તે અને આઈવરમેક્ટિનને સામેલ કરી છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ માહિતી આપી હતી.

રાજ્ય સરકારની કોરોના સામે લડવા માટે બનાવેયાલી તજજ્ઞ ડોક્ટરોની ટાસ્ક ફોર્સના સીનિયર સભ્યોએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું કે, દેશભરમાં જે પરિસ્થિતિ છે, તે મુજબ ગુજરાતમાં સતત કેસ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, નિષ્ણાંતોનું માર્ગદર્શન લઈને ગાઈડલાઈનમાં ફેરફારો અને સુધારાઓ કરવામાં આવ્યા છે.

રેમડેસિવિર ઈન્જેક્શનને લઈને પણ આરોગ્ય સચિવે મહત્વની વાત કરી હતી .તેમણે કહ્યું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન મુજબ રેમડેસિવિર ઉપયોગી હોવાના કોઈ પુરાવા નથી.

ડો. રાઘવેન્દ્ર દિક્ષીતે કહ્યું કે, ‘આપણે એક વર્ષ કરતા વધુ સમયથી કોરોના સામે ઝઝુમી રહ્યાં છીએ. અનુભવના આધારે ક્લીનિકલ પ્રોટોકોલમાં સુધારો આવે છે. મહારાષ્ટ્ર અને કેરળમાં કેસ વધારે છે. એ રાજ્યોની ગાઇડલાઇન અને પદ્ધતિનો અભ્યાસ કર્યો છે. ફેબી ફ્લૂ દવાને પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવી છે. આ સાથે અન્ય એક દવાને પણ ક્લીનિકલ પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવી છે.’

ડો. શાહે લોકડાઉન કોઈ વિકલ્પ ન હોવાનું જણાવતા સલાહ આપી કે, આ બીજો વેવ છે અને જો ત્રીજો વેવ ન લાવવો હોય તો સહકાર આપવો પડશે. તેમણે લોકોને સલાહ આપી કે, દર્દીએ જાતે ડોક્ટર થવું જોઈએ અને ડોક્ટરને સારવાર કરવા દેવી જોઈએ. તેમણે કહ્યું કે, લોકો ડિપ્રેશનમાં આવી ગયા છે.

‘પ્રિવેન્શન ઈઝ બેટરધેન ક્યોર. પહેલો વેવ, બીજો વેવ કે ત્રીજો વેવ આવે. માસ્ક વેક્સિનથી પણ વધુ અસરકારક છે. ખાસ કરીને સર્જિકલ માસ્ક સૌથી વધુ અસરકારક છે. ઘરે પણ માસ્ક પહેરો. ઉંઘો કે જમો ત્યારે ના પહેરો. ઘરમાં બહારથી યુવા લોકો આવે તો વૃદ્ધને ઘરમાં રાખો કારણ કે 90 ટકા યુવાઓને કંઈ થતું નથી. સરકાર સામાજિક મેળાવડાઓમાં જવાની ના પાડે એના કરતા આપણે જ ન જવું જોઈએ. ડિસ્ટન્સિગ અને હેન્ડ વોશ અગત્યના છે. જો શરદી જેવું કંઈ લાગે તો આઈસોલેટ થાવ. ત્યાં સુધીમાં નિદાન પણ થઈ જશે. એઝિથ્રોમાઈસિન અને પેરાસિટામોલ ચાલુ કરી દો. હોસ્પિટલમાં દાખલ થવાથી સારવાર નથી થતી. પ્રોન પોઝિશન એક કસરત છે, જેનાથી ફેફસાંની કેપેસિટી વધશે.’

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો