સૌની એક જ ડિમાન્ડ; લોકડાઉન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-04-2021

રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાની સ્થિતિ કથળવા લાગી છે. એમાં પણ છેલ્લા એક મહિનાથી તો કોરોના વિસ્ફોટ થયો છે અને એક ઘર છોડીને એક ઘરે દસ્તક આપી દીધી છે તેમજ નિષ્ણાતો હજુ પણ કોરોના સંક્રમણ વકરવાનો ભય વ્યક્ત કરી રહ્યા છે. હાલ ગુજરાત સરકારના હાથમાંથી બાજી સરકી ગઈ છે અને દર્દીઓને બેડ કે ઓક્સિજન પૂરાં પાડવાની સ્થિતિમાં રહી નથી. જો હજુ પણ સંક્રમણ કાબૂમાં નહીં આવે તો આવતીકાલે શું થશે એ અંગે કહેવું અને કલ્પવું અશક્ય છે. આ સ્થિતિ વચ્ચે હવે રાજ્યમાં લોકડાઉનની માગ બળવત્તર બનવા લાગી છે.

મોટા ભાગનાં ડોક્ટર્સ, વેપારી મંડળો, હાઈકોર્ટ અને જનતા સહિત સૌકોઈ લોકડાઉન કરવા માટે કહે છે, પરંતુ ગુજરાત સરકાર લોકડાઉન કરવા તૈયાર નથી, જેને પગલે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરના શહેરમાંથી 5 શહેરનાં મેડિકલ એસોસિયેશન અને વેપારીઓએ લોકડાઉન કરવું જરૂરી હોવાનો મત વ્યક્ત રજૂ કર્યો હતો.

લોકડાઉન અંગે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રમુખ ડો. કિરીટ ગઢવી જણાવે છે કે કોરોનાના વાયરસમાં મ્યૂટેશન થતાં એની સંક્રમણશક્તિ વધી છે, જેને કારણે કોરોનાના કેસમાં વધારો થયો છે. જોકે ગત વર્ષ કરતાં આ વર્ષે વાયરસની મારણશક્તિ ઘટી છે. લોકો આજેય માસ્ક વગર ફરી રહ્યા છે. વાયરસની ચેન તોડવા 3થી 4 દિવસના લોકડાઉનને બદલે 15 દિવસનું લોકડાઉન જરૂરી છે.

એએમએના પૂર્વ પ્રમુખ ડો. મોના દેસાઇ કહે છે, કોરોના સંક્રમણ વધવા પાછળ વાયરસમાં મ્યૂટેશન, હાલની સીઝન જવાબદાર છે. લોકો કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન નહીં કરે તો વાયરસની ચેન તોડવા માટે સરકાર પાસે કર્ફ્યૂ કે લોકડાઉન સિવાય કોઇ વિકલ્પ બચશે નહીં.

જીવનજરૂરી સિવાયની ઈન્ડસ્ટ્રીઝ બંધ કરવામાં આવે: જ્યારે અમદાવાદ મેડિકલ એસોસિયેશને જીસીસીઆઈને પત્ર લખી મહામારીને નાથવા માટે સાથે મળી કામ કરવાની સાથે કેટલાંક સૂચનો પણ કર્યાં છે. જીસીસીઆઈને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ફક્ત ખૂબ જરૂરી હોય તેવી જ ઈન્ડસ્ટ્રીઝમાં કામ ચાલુ રાખવામાં આવે (શક્ય હોય તો અડધી ક્ષમતા સાથે), બાકીની ઓછામાં ઓછાં બે અઠવાડિયાં માટે બંધ કરવામાં આવે, જેથી કોવિડના ચેપની સાંકળને તોડી શકાય. તેમજ કારીગરોને સુપર સ્પ્રેડર બનતાં અટકાવવા માટે તમામ કારીગરો માટે રસીકરણ ફરજિયાત બનાવવામાં આવે.

લોકડાઉન નહીં કરવામાં આવે તો સ્થિતિ વધુ કથળી શકે: સુરતમાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા સાત દિવસના સંપૂર્ણ લોકડાઉનની માગ સાથે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. જો લોકડાઉન નહીં લગાવવામાં આવે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ કથળે એવાં એંધાણ વર્તાઇ રહ્યાં છે. હેલ્થ સ્ટાફની જેટલી ક્ષમતા છે ત્યાં સુધી સેવા આપી રહ્યા છે, પરંતુ જો આ સ્ટાફની ધીરજ ખૂટી જશે અને હેલ્થ સ્ટાફના લોકો કોરોના સંક્રમિત થશે તો સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે. જ્યારે સુરત ફોસ્ટા દ્વારા શહેરમાં એક સપ્તાહ લોકડાઉનની માગ કરાઈ છે. આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ છે. એ મુજબ માત્ર શનિ-રવિ બંધ રાખવાથી કોરોના ચેન તૂટશે નહીં, આખું સુરત એક સપ્તાહ માટે લોકડાઉન કરવા માગ કરાઈ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો