રાજકોટની ઘૃણાસ્પદ ઘટના, રક્ષકો ભક્ષક બન્યા: હિસ્ટ્રીશીટરો પર પણ ન થઈ શકે તેવી બહાદુરી પોલીસે દેખાડી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-04-2021

(હિતેન સોની દ્વારા) રાજકોટમાં ગઈ રાત્રે એક એવી શરમજનક ઘટના બની ગઈ, જેમાંથી રાજકોટ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચની રહી સહી આબરૂના પણ લીરાં ઉડી ગયા હતા. એ-ડિવિઝન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે પ્રહલાદ પ્લોટ એક સોની પરિવાર પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો, મહિલાઓ અને તરુણીઓને પણ ઢસડી ઢસડીને માર મારવામાં આવ્યો હતો, રાજકોટ પોલીસ જાણે બિહાર પોલીસ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રહલાદ પ્લોટ શેરી નો. 16 માં રહેતા ધર્મેશ કિશોર બરભાયા નામના શખ્સ વિરુદ્ધ મુનિરા નામની મહિલાએ છેતરપિંડી કર્યાની અરજી પોલીસ કમિશ્નરને કરી હતી જે તપાસ એ-ડિવિઝનને આપવાને બદલે મલાઈ વાળી હોવાથી ક્રાઇમ બ્રાન્ચે પોતાની પાસે રાખી હતી. જે અરજીમાં ધર્મેશ બારભાયાએ આગોતરા જામીન મેળવ્યા હતા. અને આ અરજીની તપાસ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. એસ.વી. શામળા કરી રહ્યા હતા. તેમના દ્વારા ધર્મેશ બારભાયાનો સંપર્ક કરતા તેમનો ફોન સ્વીચ ઑફ આવતા તેમના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. ધર્મેશ બારભાયાના પરિવારજનો સહીત તપાસનીશને ચારેક દિવસ પહેલા રૂબરૂ મળ્યા હતા એન નિવેદન માટે ઘરે આવવા કહ્યું હતું. પી.એસ.આઈ. એસ. વી. સાખરા અને કોન્સ્ટેબલ મહેશભાઈ મંડ સહીત બંને ધર્મેશભાઈના ઘરે ગયા હતા ત્યારે ફોજદાર અને ધર્મેશભાઈના પરિવાર વચ્ચે મામલો ગરમાતા પોલીસને બંધક બનાવ્યા હતા.

આ મામલાની જાણ થતા ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ દોડી ગયો હતો અને સ્ટાફે કાયદો અને વ્યવસ્થા જાળવવાને બદલે કાયદો હાથમાં લઈ સોની પરિવાર પાર દમન ગુજાર્યો હતો.

સોની પરિવારની ભૂલ: પોલીસની સાથે ઝપાઝપી કરવાને બદલે મીડિયાને બોલાવવાની જરૂર હતી : વહીવટ માટે ગયેલા સખરાને પુરી દઈને અને બળપ્રયોગ કરીને સોની પરિવારે ભૂલ જ કરી ગણાય. સાખરા જેવા લોકો ઘરમાં ઘુસી ગયા હોય તો તેમને મીડિયા બોલાવવાની જરૂર હતી. સોની પરિવારની મજબૂરી એ હતી કે ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરી શકાય એમ નહોતું કારણ કે આ પ્રકરણમાં ઉચ્ચ અધિકારીઓ પણ ગળાડૂબ છે.

ક્રાઇમબ્રાન્ચનાં ક્રિપાલસિંહ જાડેજામાં જાણે જીન્નાત ઘુસ્યું હોય એમ બધાને માર્યા : અનેક વખત વિવાદમાં આવી ચૂકેલા ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ક્રિપાલસિહ જાડેજાએ લોકોને માર મારવામાં હદ વળોટી હતી. તેને જાણે ઘણા વખતે હાથ છૂટો કરવાની તક મળી હોય તેમ તૂટી પડ્યા હતા. મહિલાઓને પણ માર મારવામાં શરમ અનુભવી ન હતી. આવા કોન્સ્ટેબલને પાઠ ભણાવવો જરૂરી છે.

ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીએ પીઢતા બતાવી હોત તો મામલો આટલો ન ગરમાયો હોત: પ્રહલાદ પ્લોટમાં નિવેદન લેવા ગયેલા પી.એસ.આઈ. અને તેના રાઇટરને સીની પરિવારે તેના ઘરમાં ગોંધી રાખ્યનની જાણ થતાં એ ડિવિઝન તથા ક્રાઇમ બ્રાન્ચનો કાફલો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાની યોગ્ય પુષ્ટિ કરવાને બદલે ત્યાં હાજર રહેલા અધિકારીઓએ આ બનાવમાં પોલીસનો ઈગો ઘવાયો હોય તેવુ માની લઇ પુરુષ પોલીસોએ સોની પરિવારની મહિલાઓને બેફામ ગાળો ભાંડી, લાફા ઝીંકી અને વાળ ખેંચીને ઢસડીને પોલીસે પોતાની મર્દાનગી સાબિત કરી હતી. આ બનાવમાં ત્યાં હાજર રહેલા પી.આઈ. કક્ષાના એકપણ અધિકારીએ પીઢતા દાખવી હોત તો આ બનાવ આટલો ઉગ્ર સ્વરૂપ ધારણ ન કરત.

મુનિરાની ઉલટ તાપસ જરૂરી: રાજકારણીના પાર્ટનરના 15 કરોડ રૂપિયા વ્યાજે ફેરવતી હોવાની ચર્ચા

મૂળ આ મામલો 15 કરોડ રૂપિયાનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભાજપના એક ધારાસભ્યના પાર્ટનરના 15 કરોડ રૂપિયા મુનિરા વ્યાજે ફેરવતી હોવાની ચર્ચા છે. આ મામલો પણ 15 કરોડ રૂપિયાનો છે. મુનીરાએ ધીરેલા નાણાં ઘણી જગ્યાએ ફસાઈ ગયા હતા. મુનિરા અને ધર્મેશ બારભાયા વચ્ચે પણ આર્થિક વ્યવહાર હતો. આ પૈસા અને અન્ય નાણા ફસાઈ જતા કુલ 15 કરોડ રૂપિયાનો હવાલો ક્રાઇમ બ્રાન્ચને અપાયો હતો. આ ઉઘરાણી સંદર્ભે જ ધર્મેશ બારભાયાને માનસિક ત્રાસ આપવાનું શરુ થયું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો