DRDOનું આ નવું સંશોધન બની શકે છે કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન સિલિન્ડરનો વિકલ્પ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-04-2021

એક તરફ દેશમાં કોરોના સંક્રમણના કેસમાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે તો સાથે જ મોટા ભાગની હોસ્પિટલોમાં ઓક્સિજન સિલિન્ડર્સની ભારે તંગી વર્તાઈ રહી છે. આ સંજોગોમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ કોરોનાની સ્થિતિને અનુલક્ષીને SpO2 પૂરક ઓક્સિજન વિતરણ પ્રણાલી તૈયાર કરી છે.

આ પ્રણાલીનો ઉપયોગ અત્યંત ઉંચાઈવાળા વિસ્તારોમાં તૈનાત સૈનિકો માટે કરવામાં આવે છે. કોરોનાના દર્દીઓ માટે પણ તે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સંરક્ષણ મંત્રાલયના નિવેદન પ્રમાણે આ સ્વચાલિત પ્રણાલી કોરોનાના મુશ્કેલ સમયમાં વરદાનરૂપ સાબિત થઈ શકે છે.

ડીઆરડીઓ બેંગલુરૂની ડિફેન્સ બાયો એન્જિનિયરિંગ એન્ડ ઈલેક્ટ્રો મેડિકલ લેબોરેટરી દ્વારા વિકસિત, સિસ્ટમ SpO2 એક લેવલ સેટ કરીને વ્યક્તિને હાઈપોક્સિયાની સ્થિતિમાં જતા બચાવે છે જે મોટા ભાગના કેસમાં ઘાતક છે. હાઈપોક્સિયા એક એવી અવસ્થા છે જેમાં ટિશ્યુ સુધી પહોંચનારા ઓક્સિજનનું પ્રમાણ શરીરની તમામ ઉર્જા આવશ્યકતાઓને પૂરી કરવા અપર્યાપ્ત છે. આ એવી સ્થિતિ છે જે વાયરસના સંક્રમણના કારણે કોવિડના દર્દીમાં પણ જોવા મળે છે. જેના કારણે વર્તમાન સમયમાં સંકટ વધું ઘેરૂ બની રહ્યું છે. કોરોનાનો મૃતકઆંક ઉંચો આવી રહ્યો છે તેનું એક કારણ ઓક્સિજન સિલિન્ડરની તંગી પણ માનવામાં આવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો