1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવાનો મોદી સરકારનો નિર્ણય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-04-2021

પીએમ મોદીની આજની બેઠકો બાદ મોટો નિર્ણય લેવાયો .અત્યાર સુધી તો ફ્રન્ટલાઈન વર્કર્સ અને 45 વર્ષથી મોટી ઉંમરના લોકો જ કોરોના વેક્સિન લઈ શકતા હતા.

કોરોના વાયરસના રોગચાળો દૂર કરવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસીનો ડોઝ આપવામાં આવશે. પીએમ મોદીએ એક બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા એક વર્ષથી સરકાર દેશમાં શક્ય તેટલા લોકોને રસી ડોઝ આપવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે.

પીએમ મોદીએ પહેલી મીટિંગ સોમવારે સવારના 11.30 વાગ્યે કરી. ત્યાર બાદ સાંજના 4.30 વાગ્યે દેશના ટોચના ડોક્ટરો અને ફાર્માસ્યુટિકલ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે કરી અને ત્રીજી બેઠક સાંજના 6 વાગ્યે કરી હતી.

સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના વાયરસની રસી લગાવવાની જાહેરાત કરી છે. જેના માટેના પ્રોટોકોલ અંગેની માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે. આ લોકોએ રસીની કિંમત ચૂકવવી પડશે કે નહીં તે અંગે સરકાર ટૂંક સમયમાં માહિતી શેર કરશે. તાજેતરના દિવસોમાં ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ માંગ કરી હતી કે કોરોના રસીની નિયત વયમર્યાદા ઘટાડવામાં આવે. આવી સ્થિતિમાં સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં ફક્ત 45 વર્ષથી ઉપરના લોકોને રસીનો ડોઝ આપવામાં આવતો હતો, પરંતુ હવે 18 વર્ષથી ઉપરના લોકોને પણ 1 મેના રોજ રસી આપવામાં આવશે. રસીકરણ કેન્દ્રમાં લોકોએ તેમનું આધારકાર્ડ પુરાવા તરીકે લાવવાનું રહેશે ત્યારબાદ તેમને રસીનો ડોઝ આપવામાં આવશે.

ભારત સરકારના જણાવ્યા પ્રમાણે આ રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કો હશે.પીએમ મોદી સાથેની બેઠકમાં આ સંદર્ભે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણય રસીના ભાવ, રસી લાગુ કરવા માટેનો પ્રોટોકોલ અને રસીની ગુણવત્તાના સંબંધમાં લેવામાં આવ્યો છે. દેશમાં રસી કંપનીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે જેથી આ રસીઓના ઉત્પાદનમાં વધારો થાય. રસી ઉત્પાદક કંપનીઓને રાજ્યોમાં 50 ટકા પુરવઠો પૂરો પાડવા માટે સત્તા આપવામાં આવશે. આ ઉપરાંત પૂર્વ-નિર્ધારિત ભાવે ખુલ્લા બજારમાં રસી આપવાની પણ વાત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 45 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ અભિયાન પણ ચાલુ રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો