108ના નિયમને લીધે ગંભીર દર્દીનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-04-2021

કોરોનાની અસહ્ય ત્રાસ્દીની સાથેસાથે હોસ્પિટલમાં દાખલ થવા માટેના સરકારના અને મ્યુનિ.ના જડ કાયદાઓ દર્દી અને તેના કુટુંબીજનોની ચિંતામાં અસામાન્ય ઉમેરો કરે છે. હોસ્પિટલમાં દાખલ થવા આવેલા દર્દીની શારીરિક સ્થિતિ અને તેના ખાલી બેડના આંકડા જોવાના હોય, દર્દી કયા વાહનમાં આવ્યો છે તે જોવાનું ના હોય. ૧૦૮ દ્વારા આવે તો જ દાખલ કરવાની કુપ્રથા અને દાખલ થયા પછી અનિવાર્ય હોય તો પણ હોસ્પિટલ બદલવા નહી દેવાની જીદ્દથી લોકો ગળે આવી ગયા છે.

આ અંગે જાણકારે જણાવ્યું હતું કે, ૧૦૮ની ઉપર લાઇટ અને સાયરન એટલા માટે રાખવામાં આવે છે કે દર્દી ઓછામાં ઓછા સમયમાં હોસ્પિટલ પહોંચી શકે. હવે, હાલની સ્થિતિ એ ઉભી થઈ છે કે ૧૦૮ બબ્બે કે ત્રણ- ત્રણ કલાક સુધી આવતી જ નથી તો પછી દર્દી બીજા કોઈ વાહન દ્વારા હોસ્પિટલ પહોંચતો હોય તો તેને ઝડપી સારવાર આપીને બચાવી કેમ ન શકાય ? મ્યુનિ.ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ૧૦૮ દ્વારા એડમિશન એ અમારી સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે. જો આમ જ હોય તો ૧૦૮ જાય તે હોસ્પિટલમાં દર્દી દાખલ કેમ નથી થઈ જતા ? બે- ત્રણ હોસ્પિટલો ફરીને ૧૦૮ સિવિલના ઝાંપે જઈને જ લાઇનમાં ઉભી રહી જાય છે.

આનો અર્થ એ થયો કે ૧૦૮ વાળાની પાસે ક્યાં જગ્યા છે, તેની ચોક્કસ માહિતી હોતી નથી. સ્માર્ટ સિટી અને ઇ-ગવર્નન્સની ગુલબાંગો પોકારનારાઓ શું આટલી કોમ્પ્યુટરાઇઝ સિસ્ટીમ ના ગોઠવી શકે ? પાલડી કન્ટ્રોલ રૂમ કે એસવીપીમાં આવી વ્યવસ્થા ગોઠવાય તો દર્દી ત્યાંથી માર્ગદર્શન કે ભલામણપત્ર મેળવી ખાનગી વાહનમાં સંબંધિત હોસ્પિટલ પહોંચી શકે. ત્રણ- ત્રણ કલાક રાહ જોવામાં જ ઓકસિજન ઘટતો હોય તેવો દર્દી શારીરિક અને માનસિક રીતે તૂટી જાય છે.

એક હોસ્પિટલમાં દાખલ થયેલા બ્રેઇન સ્ટ્રોકના દર્દીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવે અને તે હોસ્પિટલના સંચાલકો અમારે ત્યાં કોરોનાના દર્દી માટે આઇસીયુ નથી, બીજી હોસ્પિટલમાં લઈ જાવ તેમ કહી દે તે પછી પણ દર્દીને અને તેમના કુટુંબીજનોને બીજી હોસ્પિટલ શોધતા અને ત્યાં પહોંચતા દમ નીકળી જાય છે. કેમ કે અહીં પણ ૧૦૮નો જ આગ્રહ રખાય છે.

આઇસીયુની જરૂરિયાતવાળા દર્દીઓને માટે મિનિટો પણ કિંમતી ગણાય છે. ત્યાં અહીં નિયમોના પાલનમાં જ કલાકોના કલાકો નીકળી જાય છે. હેલ્થના ડે. કમિશ્નર પણ આવી સંવેદનશીલ બાબત સમજવા તૈયાર નથી હોતા. ૧૦૮ દ્વારા જ પ્રવેશની સિસ્ટીમ અગાઉ પણ એક વખત દાખલ કરાઈ હતી જે ઉહાપોહ થયા બાદ પડતી મૂકવાની ફરજ પડી હતી. પરંતુ અધિકારીઓ ઇતિહાસમાંથી બોધપાઠ લેવા ટેવાયેલા ના હોવાથી એની એ જ ભૂલ ફરી કરતા હોય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો